બનાસકાંઠા: કોલકત્તામાં રેસીડેન્સ મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરાતા સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગુજરાતના ડોક્ટરોએ પણ હડતાલ પર ઉતરી દોષીતોને વહેલી તકે ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે ત્યારે ગઈ કાલના રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતેથી ડોકટરોએ રેલી નીકાળી અને ગુરુનાનક ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી મૃતક ડોકટરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહિલા સુરક્ષા પર સવાલો ઉઠ્યા: કોલકત્તાની ઘટના બાદ ગુજરાતમાં ડોકટરોએ મહિલા સુરક્ષા ઉપર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે પાલનપુરમાં યોજાયેલા કેન્ડલ માર્ચ દરમિયાન મહિલા ડોક્ટરે કહ્યું કે બેટી પઢાવો બેટી બચાવોના નારાઓ લગાવવામાં આવે છે ત્યારે કલકત્તાની ઘટના જોતા બેટી પઢી તો ખરા પરંતુ બચી ના શકી તેવા તીખા શબ્દો કહી ડોક્ટરે મહિલા સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક કાયદાઓ અમલમાં મૂકી આવા લોકોને ફાંસીએ ચડાવવા માંગ કરી હતી.
આરોપીને શખ્તમાં શખ્ત સજા કરવા માંગ: આ કેન્ડલ માર્ચ દરમિયાન મહિલા ડોક્ટરો ભાવુક બનતા મહિલા આગેવાન લક્ષ્મીબેન કરેણે હિંમત આપી હતી, પરંતુ લક્ષ્મીબેન કરેણ પોતે પણ મીડિયા સમક્ષ બોલતા બોલતા ભાવુક થયા હતા અને દીકરીઓની સલામતી સામે અણિયાળા સવાલો ઉઠાવી કહ્યું કે આવું અન્ય કોઈપણ દીકરી સાથે થઈ શકે છે. પાલનપુરની દીકરી પણ આવા તત્વોનો ભોગ બની શકે છે ત્યારે કોલકાત્તાની ઘટનામાં જે લોકો દોષીતો છે તેમને કડક સજા થવી જોઈએ. તેમણે દીકરીઓને પણ સેલ્ફ ડિફેન્સની તાલીમ લઈ આવા લોકોને સબક શીખવાડવા માટે પણ હિંમત આપી હતી.
દેશમાં આવા કૃત્ય ન થાય તે માટે કડક કાનૂન બનાવો: જોકે કેન્ડલ માર્ચના આયોજનમાં ખાસ ઉપસ્થિત રહેલા સ્થાનિક આગેવાને કોલકાત્તાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આવી ઘટનાઓ ભારતમાં અલગ અલગ રાજ્યમાં બનતી હોવાની વાત કહી દીકરીઓ સલામત ના હોવાનું કહ્યું હતું તેમને કહ્યું કે અન્ય દેશોમાં આવા કૃત્ય માટે જે કડક કાનૂન છે તેવા કાનૂનો ભારતમાં પણ હોવા જોઈએ. જેથી આવું કૃત્ય કરનારાઓને તરત જ સજા મળે જેના કારણે અન્ય કોઈ લોકો આવું જઘન્ય કૃત્ય ન કરે.
શું મહિલાઓ આત્મનિર્ભર બનશે: કોલકત્તાની RG Kar કોલેજમાં રેસિન્ડ્સ મહિલા ડોકટર સાથેની બનેલી ઘટનાએ ફરી એકવાર નિર્ભયાની ઘટનાને યાદ અપાવી રહી છે. દેશમાં બનતી આવી ઘટનાઓથી દીકરીઓના માતાપિતાના મનમાં એવા સવાલો ઉઠતા હશે કે શું હવે આપણા દેશમાં આ રીતે મહિલાઓ સશક્ત કે આત્મનિર્ભર બનશે કે પછી સાચા અર્થમાં મહિલાઓ બેખૌફ બની ફરી શકશે. શાયદ હાલ તો આ સવાલોના જવાબ કોઈ જ પાસે નથી.