રાજકોટ: ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઓફ ઈન્ડિયા, ઉપલેટા દ્વારા 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિતે ઉપલેટા શહેરમાં સૂત્રોચ્ચાર સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવી હતી જે બાદ શહીદ વીર ભગતસિંહ ચોક ખાતે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
શહીદ દિવસની ઉજવણી: 23 માર્ચે ત્રણ સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી હતી અને પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા. આ સાથે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે પણ પ્રેરણાસ્ત્રોત છે. આ જ કારણ છે કે ભારત દર વર્ષે 23 માર્ચે આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસ ઉજવે છે.
- ભારતમાં શહીદ દિવસ 2 અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ એવા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે દેશ માટે હસતા હસતા પોતાના પ્રાણોનુ બલિદાન આપ્યું હતુ. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની યાદમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે અને 23 માર્ચે આ દિવસ ભારતના ત્રણ બહાદુર ક્રાંતિકારી ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં ઉજવવામાં આવે છે. 23 માર્ચ, 1931ના રોજ આ ત્રણેય ક્રાંતિકારીઓને લાહોરમાં ફાંસી આપવામાં આવી હતી.
વિશાળ મશાલ રેલીનું આયોજન: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 35 વર્ષથી ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે 23 માર્ચ 2024 ના રોજ રાત્રીના સમયે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ સૂત્રોચાર સાથે વિશાળ મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ઉપલેટા પંથકના પ્રબધ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવકો, યુવતીઓ, મહિલાઓ તેમજ આગેવાનો અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને સૂત્રોચાર સાથે રેલી યોજી હતી. લોકો પણ રેલીમાં સ્વેચ્છિક રીતે જોડાયા હતા અને ઉપલેટામાં આવેલ શહિદ વીર ભગતસિંહજી ચોકના પૂતળાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૂત્રોચાર કર્યા હતા.