રાજકોટ: સામાન્ય રીતે બાળકનો જન્મ થતાની સાથે જ તેને અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. ત્યારે પોલિઓ એ ખૂબ જ ગંભીર બિમારી છે. તેનાથી બચવા પોલિયો નાબુદી માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે. ત્યારે રાજકોટમાં આવતીકાલથી ૩ દિવસ સુધી 0થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.
ભારત સરકાર દ્વારા પોલિયો નાબુદી માટે અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. જેથી પોલિયોને નાબુદ કરી શકાય. ત્યારે આવતી કાલે પોલિયો રવિવાર છે. પોલિયોને રોકવા માટે રસીકરણ એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે. કારણ કે પોલિયોનો કોઈ ઈલાજ નથી. સ્વચ્છતાનો અભાવ આ વાયરસને જન્મ આપે છે. જે સંક્રમિત પાણી, ખોરાક કે વ્યક્તિના ચેપ લાગવાથી ફેલાય છે. આ વાયરસ આપણાં મોંઢા કે નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. જે આપણા ગળા અને આંતરડામાં ફેલાય છે. કેટલાક કિસ્સાઓમાં, તે મગજ અને કરોડરજ્જુમાં પ્રવેશ કરે છે અને લકવાનું કારણ બને છે.
રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત આવતી કાલે રવિવારના દિવસે 1,89,363 બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે ભારત સરકાર દ્વારા 5 વર્ષથી નાના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના બાળકોને રસી આપવા માટે 919 રસીકરણ બુથ અને 1 હજાર 753 રસીકરણ ટીમો બનાવાઈ છે.
અંતરીયાળ વિસ્તાર અને વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે 206 મોબાઇલ ટીમો અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જ્યાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે 46 ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે. દરેક ગામમાં રસીકરણ બુથ બનાવવામાં આવેલા છે. જ્યાં પોલિયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવશે.