અમદાવાદ: સવારના રોજ કાલુપુર પાસે બસ નં. J55 ભાડજથી નરોડા ગામે ચાલતી BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. અચાનક બસની અંદર સ્પાર્ક થતા આગે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાનિ નહોતી થઇ.
ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને પેસેન્જરોને બહાર કાઢ્યા
સવારે BRTS ની બસ ઓન રૂટ હતી. તે દરમ્યાન પ્રેમ દરવાજાથી કાલુપુર તરફ જતા સમયે બસમાં પાછળના ભાગે સ્પાર્ક થયાનું જણાતા અને ધુમાડો નીકળવા માંડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે બસ અંદર 10 જેટલા પેસેન્જર હતા. જે લોકોને ડ્રાઇવર દ્વારા સમય સૂચકતા વાપરીને બહાર કાઢી લેવાયા હતા.
BRTS બસની અંદર મોજુદ અગ્નિશામકથી આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને છેવટે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગ કેવી રીતે લાગી તેની વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: