ભાવનગર: પ્લાસ્ટિકનો જ્યાં ત્યાં ખુલ્લામાં થતો નિકાલ પ્રકૃતિ માટે દુશ્મન સમાન બની ગયો છે. પ્લાસ્ટિક ઝબલામાં આવતી ચીજો અને ત્યારબાદ ફેંકાઈ જતું પ્લાસ્ટિક આજે સમગ્ર વિશ્વના પર્યાવરણ માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. ત્યારે શાળાના બાળકો ઈકો બ્રિક બનાવવામાં સહભાગી થયા છે. જો આપ ભાવનગરના નગરજન છો તો આપ પણ આ ઉમદાકાર્યમાં સહભાગી થઈ શકો છો, જાણીશું વિસ્તારથી આ અહેવાલમાં?
રસ્તા પર ફેંકાતા પ્લાસ્ટિકના ઝબલાઓ આજકાલ ગાયો માટે જીવલેણ બની રહ્યા છે. ઝબલામાં ભોજન નાખીને ફેંકવાથી ગાયો ઝબલા સાથે આરોગી જતી હોય છે. આ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા ઇકો બ્રિક્સ બનાવવા કમર કસવામાં આવી છે. દેશના બીજા ઇકો બ્રિક્સ પાર્ક માટે ઇકો બ્રિક એકઠી કરાય રહી છે. જેમાં શાળાના બાળકોનો સહયોગ છે. ભાવનગરીઓ પણ ધારે તો ઘરમાં બનાવી ઇકો બ્રિક્સ બનાવી શકે છે.
''જે 50 માઇક્રો ગ્રામથી ઓછું પ્લાસ્ટિક છે કે, જે પ્લાસ્ટિક રિસાયકલ નથી થઈ શકતું એને કેવી રીતે એક જગ્યાએ એકઠું કરવું એવો એક પ્રોજેક્ટ કે જેની અંદર એક લીટરની બોટલની અંદર જે પ્લાસ્ટિક અથવા તો ઝભલા આપણે કહીએ એવા લગભગ એક લિટરની બોટલમાં 350 ગ્રામ ઝબલા સમાય છે તેવી રીતે એકદમ ઠસોઠસ ભરીને જ્યારે એને બનાવવામાં આવે તેને એક બ્રિક એટલે કે ઈટ જેવું કામ આપે છે. આવી ઇકો બ્રિકનો ભારતમાં સૌથી પહેલું એવું આપણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન શરૂ કર્યું છે કે તમે ત્રણ ઇકો બ્રિક આપો તો ભાવનગર કોર્પોરેશન 10 રૂપિયા આપે છે''. - ડૉ.તેજસ દોશી, બ્રાન્ડ એમ્બેસેડર, સ્વચ્છ ભારત
જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવાથી ઉભી થતી સમસ્યા
ડૉ. તેજસ દોશીએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો હેતુ, એ છે કે, જે પ્લાસ્ટિક ઉડે છે, એઠવાડ વગેરેમાં પ્લાક્ટિક ફેંકવાથી ઘણી ગાયોના કે અન્ય પ્રાણીઓના પેટમાં જાય છે, એ પ્લાસ્ટિકને પશુઓના પેટમાં જતા આપણે કેવી રીતે બચાવી શકીએ. ડ્રેનેજ અને ગટર લાઈન ચોકપ ન થાય એટલે આવી ઇકો બ્રિક બનાવી એનો સૌથી પહેલો પાર્ક આખા ઇન્ડિયાનો સૌથી પહેલો ભાગ અહીં આપણે અકવાડા લેક ખાતે બનાવ્યું હતું.
ફેઝ-2માં બનનાર વેસ્ટ વંડર પાર્ક માટે 1 લાખ બોટલની જરૂરિયાત
ડૉ. તેજસ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, 2021માં હવે એનો બીજો પાર્ક કે ફેસ ટુ ફરી વખત બહુ સુંદર બનવા જઈ રહ્યો છે. ભાવનગરના કૈલાશ વાટીકા એટલે કે, બોરતળાવની અંદર બનવા જઈ રહ્યું છે. આ માટે 1 લાખથી વધુ ઇકો બ્રિકની જરૂરિયાત છે, જો કે આ પ્રોજેક્ટ લગભગ આપણે આઠેક દિવસથી શરૂ કર્યો અને આઠ દિવસમાં 10,000 થી વધુ ઇકો બ્રિક આપણને મળી ગઈ છે. બાળકો દરેક શાળાઓમાં પણ એક આ પ્રોજેક્ટ તરીકે લે જે બાળકો ઘરે આવું પ્લાસ્ટિક વાપરે છે, તે બોટલમાં ભારે અને એના શિક્ષકને જમા કરાવે. શિક્ષકો અમારો સંપર્ક કરે અથવા કોર્પોરેશનનો સંપર્ક કરે. આપણે ચોક્કસથી ત્યાંથી મંગાવશુ અને સાથ સૌનો સાથ સૌનો સહારો મળે તો પાર્ક આપણે જલ્દીથી બીજો બનાવી શકીશુ.
સરકારી શાળાઓમાં બાળકોને ઇકો બ્રિક બનાવવા હાંકલ
ડૉ. તેજસ દોશીએ આગળ જણાવ્યું હતું કે, આ વાતને સીએમઓ (મુખ્યમંત્રીનું કાર્યલય) સુધી પહોંચાડી છે. ભાવનગર કોર્પોરેશન પણ ભાવનગરની તમામ સરકારી શાળાઓમાં એક પત્ર બહાર પાડી અને આવો એક પ્રોજેક્ટ કરવા જઈ રહી છે, કે જેની અંદર જે કોઈ બાળક આવું ઇકો બ્રિક બનાવીને આપશે તો આપણે સર્ટિફિકેટ આપશુ કે જેથી બાળકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ વધે. જ્યારે બાળક મોટું થાય ત્યારે કારણ વગરનું પ્લાસ્ટિક ન વાપરે આજ આપણો ઉદ્દેશ્ય છે.