નડિયાદ: નડિયાદમાં એકલા રહેતા વૃદ્ધા પર એક અજાણ્યા ઈસમ દ્વારા ફાયરીંગ કરવાની ઘટના બની છે. વૃદ્ધા પોતાના ઘરે ગેલેરીમાં કપડા લેવા જતા અચાનક તેમના હાથમાં ઝટકો લાગ્યો હતો. જે બાબતે વૃદ્ધાને કંઈ ખબર પડી નહોતી. પરંતુ બાદમાં સારવાર માટે લઈ જવાતા હાથના કાંડામાંથી ડોક્ટર દ્વારા ગોળી કાઢવામાં આવી હતી. જે મામલે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી વૃદ્ધા પર ક્યા કારણોસર કોણે ગોળી ચલાવી તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદ શહેરના મઢી ચકલા પંચ કુઈ પાસે દીપ બંગલોઝમાં 74 વર્ષિય શોભનાબેન બીપીનચંદ્ર તલાટી રહે છે. તેમના પતિ ગુજરી ગયા છે. બે પુત્રો વડોદરા તેમજ સેલવાસ ખાતે રહે છે. નડિયાદ ખાતે શોભનાબેન એકલા જ રહે છે. રસોઈ અને ઘરકામ બંધાવેલા છે. શોભનાબેનનું મકાન ત્રણ માળનું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેઓ રહે છે. પહેલા માળે રસોડું તથા બેઠક રૂમ આવેલા છે.
વૃદ્ધાને ગોળી મારી: 28 ઓગસ્ટ 2024ના રોજ સવારે અગિયાર વાગે શોભનાબેન પોતાના ઘરે પહેલા માળની ગેલેરીમાં તાર પર સુકવેલા કપડાં લેવા માટે ગયા હતા. જ્યાં કપડાં લેવા હાથ ઊંચો કરતા તેમને ડાબા હાથના કાંડાના નીચેના ભાગે અચાનક કંઈક ઝટકો લાગ્યો હતો. પહેલા તો તેમને કાંઈ ખબર ન પડી. કંઈ વાગ્યું હોય તેમ લાગ્યું. બાદમાં લોહી નીકળતા તેમણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો અને તેમનો ભત્રીજો દોડી આવ્યા હતા. તેમને હાથે હળદર લગાવી સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે એક્સરે કરાવતા હાથમાં મેટલ જેવું દેખાતા ઓપરેશન હાથના કાંડામાંથી ગોળી બહાર કાઢી હતી. હાલ તેઓ સ્વસ્થ છે.
પોલીસે તપાસ હાથ ધરી: આ મામલે વૃદ્ધા શોભનાબેન તલાટી દ્વારા અજાણ્યા ઈસમ વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી કોણે અને કેમ ક્યા કારણોસર આ વૃદ્ધા પર ગોળી ચલાવી તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે એકલવાયું જીવન જીવતા અને ઘર બહાર પણ ન નીકળતા વયોવૃદ્ધ મહિલાને કોની સાથે દુશ્મની હોઈ શકે તે મોટો પ્રશ્ન છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પિસ્તોલમાં વપરાતી 0.32 એમએમની ગોળી હોવાનુ અને દૂરથી ફાયર થયું હોવાનું ખૂલ્યું છે.
ઓપરેશન કરી ગોળી કાઢી ત્યારે ખબર પડી: શોભનાબેન
આ બાબતે વૃદ્ધા શોભનાબેને જણાવ્યું હતુ કે હું કપડા લેવા ગેલેરીમાં ગઈ ત્યારે એકદમ કશુક વાગ્યું એવું થયુંને લોહી નીકળવા લાગ્યું. જે બાદ બોલાવતાં પડોશીઓ આવ્યા હતા અને હાથે હળદર લગાવી હતી. પણ લોહી વહી રહ્યું હતુ. જ્યારે ઓપરેશન કરી ગોળી કાઢી ત્યારે ખબર પડી કે મારા હાથમાં ગોળી છે.
સમગ્ર મામલે તપાસ ચાલુ: ઘટના બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી.ભરવાડે જણાવ્યું હતુ કે સમગ્ર બાબતે હાલ તપાસ ચાલી રહી છે. કયા હથિયારથી ફાયરીંગ કરવામાં આવ્યું છે. હાલ લાયસન્સવાળા હથિયાર ધારકો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. કયા કારણોસર ફાયરિંગ કરાયું છે તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.