ધરમપુર: શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 22 જાન્યુઆરી શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામમંદિરની 3000 ચોરસ ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જેને નિર્માણ કરતા 24 કલાક કરતા વધુ સમય લાગ્યો છે 10 થી વધુ કારીગરો દ્વારા સતત ભગવાન રામજીના ભાવ સાથે રંગોળી નિર્માણ કરવામાં આવી છે જે ખૂબ આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે.
અદભૂત રંગોળી: શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી 34 ફૂટની પ્રતિમા નજીક આ રામમંદિરની રંગોળીને નિહાળવા માટે 20,21 અને 22 જાન્યુઆરી સુધી વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે. પ્રવેશ માટે QR કોડ રાખવામાં આવ્યો નથી આ સુંદર રંગોળી નિહાળવા ભાવી ભક્તો આવી રહ્યા છે.
3000 ચોરસ ફૂટની રંગોળી: ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર છેલ્લા કેટલાક સમયથી અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, સાથે જ શૈક્ષણિક આરોગ્ય સહિતની અનેક કામગીરી અહીં આદિવાસી ક્ષેત્રમાં કરવામાં આવી રહી છે, તેમના દ્વારા ધાર્મિક ક્ષેત્રે પણ શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં વિવિધ કાર્યક્રમો થતા આવ્યા છે. ત્યારે અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે થઈ રહ્યો છે. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે 3000 ચોરસ ફૂટની રંગોળીમાં અયોધ્યામાં બની રહેલા મંદિરનું આબેહૂબ ચિત્ર રંગોળી થકી બનાવી લોકો સમક્ષ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે એટલે કે જેઓ અયોધ્યા ન જઈ શકે તેવો ધરમપુર ખાતે પહોંચીને તેને જોઈ અને જાણી અને માણી પણ શકે છે
ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં અયોધ્યામાં એક તરફ રામ મંદિરમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે વિવિધ સ્થળે ઠેર ઠેર ઉજવણી પણ કરવામાં આવી રહી છે, ત્યારે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં બનાવવામાં આવેલી 3000 ચોરસ ફુટની રંગોળી નિહાળવા તેઓ પણ પહોંચ્યા હતા અને આ રંગોળીને તેમણે અદભુત ગણાવી હતી
22 તારીખે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ઉજવણીના ભાગ રૂપે વિશ્વમાં આવેલી 108 નદીઓના જળો દ્વારા ભગવાન શ્રીરામનો જળાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાદ વિશેષ સત્સંગ શ્રીરામચંદ્રજી અષ્ટ દ્રવ્ય જિન પૂજાનું આયોજન તેમજ ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આયોધ્યા રામ મંદિરની આબેહૂબ કલાકૃતિ દર્શવાતી રંગોળી શ્રીમદ રાજચંદ્રજીની 34 ફૂટની વિશાળ કદની પ્રતિમા આગળ બનાવવામાં આવતા આ નયનરમ્ય દ્રશ્ય જોવા અનેક સ્થળેથી લોકો ઉમટી પડ્યા હતા અને રંગોળી જોઈને લોકો ભાવવિભોર બન્યા સાથે અનેક લોકોએ મોબાઈલ કેમેરામાં આ સમગ્ર દ્રશ્યને કેદ કરતા પણ નજરે પડ્યા હતાં.
મહત્વપૂર્ણ છે કે, ધરમપુર નગરના પ્રવેશ દ્વાર અને જેના 300 વર્ષ પૂર્ણ થયા છે, એ રાજ્યરોહણ દ્વારા રાજવી સમયની ધરોહર ગણવામાં આવતા ત્રણ દરવાજાને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવતા દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પણ ત્રણ દરવાજા જોઈને મંત્ર મુગ્ધ થયા હતા.