ખેડા: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ 78 માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદના કરતાં સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નામનાને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું છે.
આ સંદર્ભમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ કે, જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું હતું, તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે.
![ભુપેન્દ્રભાઈ પટેલે ત્રિરંગો લહેરાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-08-2024/gj-khd-01-cm-avb-gj10050_15082024135043_1508f_1723710043_338.jpeg)
![ભુપેન્દ્રભાઈ પટેલે ધ્વજ વંદના કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-08-2024/gj-khd-01-cm-avb-gj10050_15082024135043_1508f_1723710043_519.jpeg)
સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પો: મુખ્યપ્રધાને સુશાસનના જે સાત સપ્તર્ષિ સંકલ્પોના પાયા ઉપર ગુજરાતને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપનારૂ રાજ્ય બનાવવું છે, તે પરિપ્રેક્ષ્યમાં ઉમેર્યું કે, સુગમતા-સરળતાના સંકલ્પથી લોકહિત યોજનાઓનો લાભ મેળવવામાં કોઇને અગવડ ના પડે તેવી ‘‘ફ્રિક્સન લેસ’’ ગવર્નન્સ વ્યવસ્થા વધુ સંગીન બનાવવી છે. સુશાસનના ત્રીજા સંકલ્પ સંપર્ક અંતર્ગત આધુનિક સંપર્કના માધ્યમોથી લોકો પોતાની રજૂઆતો સરકાર સુધી ઝડપભેર અને સરળતાથી પહોંચાડી શકે અને સરકાર પણ સામે ચાલીને તેનું સમાધાન લાવે તેવા પ્રયત્ન કરાશે. આ માટે ડિઝીટલ ગુજરાત, સ્વાગત ઓનલાઇન, સીએમ ડેશબોર્ડ, વોટ્સએપ બોટ, રાઇટ ટુ સીએમ સહિતના પ્રજા અને પ્રશાસન વચ્ચેના સંપર્ક માધ્યમોને વધુ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
![મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-08-2024/gj-khd-01-cm-avb-gj10050_15082024135043_1508f_1723710043_432.jpeg)
વધુમાં ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, અમે નાગરિકોની સેવામાં સમર્પિત છીએ. નેશન ફર્સ્ટના ભાવથી કામ કરી દરેક ગુજરાતીમાં દેશ પ્રત્યેનો ભાવ બળવત્તર બને તેવો સરકારનો ધ્યેય છે. ‘‘મારૂં ગુજરાત, સર્વ શ્રેષ્ઠ ગુજરાત’’ના ભાવ સાથે વિકાસની પ્રક્રિયામાં લોકસહભાગિતાની વૃદ્ધિ માટે પણ તેમણે આહવાન કર્યું હતું. વિકાસના કેન્દ્ર બિંદુ એવા વિવિધ વંચિત વર્ગો આદિજાતિ, મહિલાઓ તથા ગરીબોના સશક્તિકરણનો સુશાસન સપ્તર્ષિના છઠ્ઠા સંકલ્પ તરીકે મુખ્યપ્રધાને ઉલ્લેખ કર્યો હતો.
ત્રણ નવા કાયદાઓ અમલમાં: મુખ્યપ્રધાને સુરક્ષા સંબંધિત સુશાસન સંકલ્પ અંગે ઉમેર્યું કે, વિકાસના પાયામાં સુરક્ષા, સલામતી અને શાંતિ રહેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ દેશ અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કાયદો તથા વ્યવસ્થા વધુ સંગીન બનાવવા જૂના કાયદાઓમાં સુધારો કરી ત્રણ નવા કાયદાઓ અમલમાં બનાવવામાં આવ્યા છે.
![78 માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-08-2024/gj-khd-01-cm-avb-gj10050_15082024135043_1508f_1723710043_306.jpeg)
મહાત્માગાંધીએ દેશને સ્વરાજ્ય અપાવ્યું: ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક એમ ત્રણ નવા કાયદાઓ હવે અમલી થતાં સમગ્ર દેશમાં એક જ ન્યાયદંડ સંહિતા લાગુ થઇ છે. આ નવા કાયદાઓથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને લોકોની સલામતી માટે યોગ્ય પગલાં લઇ શકાશે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે દેશને સ્વરાજ્ય અપાવ્યું અને ગુજરાતના બે નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યની યાત્રામાં પ્રેરિત કરી છે. સુરાજ્ય – સુશાસન દ્વારા હવે તેમણે વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે, તેમાં આપણે સહભાગી થતાં ગુજરાતને પણ વિકસિત ગુજરાત બનાવશું.