રાજકોટ: ઉપલેટામાં ગત 22 જૂન 2024 થી તણસવા કારખાના વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાના કેસો તથા મૃત્યુ થયા હોવાની બાબત સામે આવી હતી જેના પગલે ઉપલેટા તાલુકા હેલ્થ ઓફિસના તાબા હેઠળના કર્મચારીઓ તથા જામકંડોરણા અને ધોરાજી તાલુકાના આરોગ્ય કર્મચારીઓને ડેપ્યુટેશન કરીને 45 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા તણસવાના કારખાના વિસ્તારની તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની તપાસ હાથ ધરી હતી જેમાં ઉપલેટાના તણસવા, વરજાંગજાળીયા, નીલાખા, મેરવદર, મેખાટીંબી, નાગવદર, ગણોદ તથા ઇસરા અને મૂરખડાના કારખાના વિસ્તારની સાથે સાથે ઉપલેટા શહેરના વોર્ડ એકથી નવ જેટલા વિસ્તારની અંદર કોલેરા અંતર્ગત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જાગૃતતા માટે પત્રિકા વિતરણ કરાવી અને જૂથ ચર્ચાઓ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આરોગ્ય તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાયો: આ અંગે માહિતીઓ આપતા ઉપલેટા તાલુકા હેલ્થ ઓફિસર ડો. નયન લાડાણીએ જણાવ્યું છે કે, ઉપલેટા માટે બનાવાયેલ વિવિધ ટીમો દ્વારા કુલ 71,518 જેટલા લોકોનું પાંચ દિવસમાં સ્ક્રિનિંગ કરાયું હતું. આ સાથે જ તણસવાના કારખાના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારની અંદર કોલેરાનો વર્તમાન સમયની અંદર એક પણ શંકાસ્પદ કેસ જોવા નથી મળ્યો જેને પગલે આરોગ્ય તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાયો છે અને શહેર અને તાલુકા પરથી એક ચિંતાનો વિષય હળવો થયો છે.

સ્થળ પર જ સારવાર આપવાની કામગીરી: ગત 22 જૂન 2024 થી આજદિન સુધીમાં તણસવાના કારખાના વિસ્તારમાં કુલ પાંચ જેટલી મેડિકલ ટીમ દિવસ અને રાત સતત ખડેપગે રહીને આરોગ્ય લક્ષી કામગીરી કરી રહી છે અને આ કામગીરીમાં 366 જેટલા પરપ્રાંતીય મજૂરોનું કોલેરાના સર્વેની કામગીરી તથા સ્થળ પર જ સારવાર આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ જરૂર પડીએ એમ્બ્યુલન્સ મારફત રેફરલ એક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે અને આરોગ્ય શિક્ષણ જેવી એક્ટિવિટી પણ વર્તમાન સમયમાં ચાલી રહી છે.

પરિસ્થિતિ કાબુમાં: ઉપલેટાના તણસવા કારખાના વિસ્તારમાં છેલ્લે 25 જૂન 2024 ના રોજ મળેલ એક શંકાસ્પદ કેસ હતો તે બાદ આજદિન સુધી એટલે કે એક અઠવાડિયુ થયું હોવા છતાં પણ એક પણ કોલેરાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી. ત્યારે વર્તમાન સમયની અંદર પરિસ્થિતિ કાબુમાં હોય તેવું આરોગ્ય વિભાગ તરફથી જણાવ્યું છે. હાલ આ મામલાની અંદર જરૂર જણાય તે માટે 24 કલાક ટિમ અને આરોગ્ય તંત્ર તૈનાત છે અને કામગીરી કરવા માટેની તમામ તૈયારીઓથી સજ્જ છે તેવું પણ ઉપલેટા તાલુકા હેલ્થ ઓફિસ વિભાગમાંથી જણાવવામાં આવ્યું છે.