અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં 70 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મભૂષણ રાજશ્રી બિરલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે પણ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી.
વિદ્યાર્થીઓને જીવન જીવવાનો અભિગમ શીખવાડ્યો: આજનો દિવસ ગુરુપૂર્ણિમાનો દિવસ છે ત્યારે આ દિવસે શિષ્ય પોતાના ગુરુને નમન કરે છે અને તેમનો આદર કરે છે. તેથી આજના દિવસે ગુજરાત વિદ્યાપીઠમાં પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.પદવીદાન સમારોહના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને વિદ્યાર્થીઓને જીવન જીવવાનો અભિગમ શીખવાડવામાં આવ્યો હતો.
972 વિદ્યાર્થીઓએ પદવી હાંસિલ કરી: પદવીદાન સમારોહમાં ગુજરાત વિદ્યાપીઠના 972 જેટલા વિદ્યાર્થીઓએ પદવી હાંસલ કરી હતી. વિદ્યાર્થીઓને PHD, M.PHIL, સ્નાતક , અનુસ્નાતકના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. PHD 39, 5 M.PHIL, 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પી.જી. ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ-બહેનોને ડિગ્રી એનાયત કરાઇ હતી.
ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવવાની શીખ આપી: ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પૂજ્ય ગાંધીજીના 'સાદું જીવન-ઉચ્ચ વિચારો'ના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવવાની શીખ આપી હતી.