કરછ: નખત્રાણા તાલુકાના ખીરસરા (નેત્રા) ગામની વાડીમાંથી પસાર થતી ભેંસો પર ચાલુ વીજ વાયર પડતા એક ગાય તથા સાત ભેંસના મોત નીપજયા હતા જેના કારણે માલધારી પશુપાલકોને અંદાજિત દસ લાખનું નુકસાન થયું છે. આ સમગ્ર ઘટનાની નખત્રાણા પોલીસે પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે જ સમયે સાત ભેંસ અને એક ગાયનું વીજશોકથી મૃત્યુ થઈ ગયું હતું.
હાઇવોલ્ટેજ વીજ વાયર પડતા પશુઓના મોત: નખત્રાણા તાલુકાના ખીરસરા (નેત્રા) ગામની વાડીમાંથી પસાર થતી ભેંસો પર ચાલુ વીજ વાયર પડતા એક ગાય તથા સાત ભેંસના મોત નીપજયા હતા. જેના કારણે માલધારી પશુપાલકોને અંદાજિત દસ લાખનું નુકસાન થયું છે. નખત્રાણા તાલુકાના ખીરસરા અને નેત્રા માર્ગ પર આવેલી એક વાડીમાં ચરણ માટે ગયેલા પશુ પર પીજીવીસીએલનો હાઇવોલ્ટેજ વીજ વાયર પડતા સ્થાનિક માલધારીઓના પશુઓનું મોત નીપજ્યું છે. જેમાં ગામના નિતેશભાઇ ગોપાલભાઈની ત્રણ ભેંસ અને એક ગાય તેમજ મગન વાઘેલાની બે ભેંસ, ભીમજીભાઇ બડિયાની એક ભેંસ અને ગોવિંદ બડિયાની એક ભેંસનું મોત નીપજ્યુંછે.
પાણી પીને પશુઓ ચરવા જતા બની ઘટના: ગામના સ્થાનિક લોકોએ વીજશોકની આ ઘટના અંગે PGVCL ને જાણ કરતા પીજીવીસીએલની ટીમ ઘટના સ્તરે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. તો આ બાબતે ગામના સરપંચ રવાભાઈ રબારી એ જણાવ્યું હતું કે, "ગામના પશુપાલકોની ગાયો અને ભેંસો પાણી પીને ચરવા માટે જતી હતી ત્યારે આ ચાલુ વીજ વાયર પડતા ઘટના ઘટી હતી. એવામાં ગાય અને ભેંસના મૃત્યુ થયા હતા.
અગાઉ શ્વાનોનો મૃત્યુ થયા હતા: પશુપાલકોએ આ સમગ્ર ઘટના અંગે જીઇબીની બેદરકારી ગણાવી હતી, તેમજ થોડા સમય પહેલા પણ વીજ તાર તૂટવાના કારણે કેટલાક શ્વાનોનું પણ મૃત્યુ થયું હતું. જો સ્થાનિક વીજતંત્ર દ્વારા ગંભીરતાથી અગાઉ કામ કરવામાં આવ્યું હોત તો આજે આ સાત જેટલા પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા ન હોત. પશુપાલકોએ પોતાના આઠ જેટલા પશુઓ ગુમાવતા તેમને આર્થિક ફટકો સહન કરવો પડ્યો છે.
પશુપાલકોને આર્થિક ફટકો: ઘટના અંગે જાણ થતા પીજીવીસીએલ તંત્રની સાથે સાથે સ્થાનિક નખત્રાણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ પશુપાલન વિભાગની ટીમ પણ ઘટના સ્તરે પહોંચી તપાસ હાથ ધરી હતી. તો નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે બનાવની નોંધ લઈ પશુઓના પોસ્ટમોર્ટમ અને પંચનામાં સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.