સુરત: ઓલપાડ તાલુકાના કીમ નજીક મૂળદ પાટિયા પાસે સોમવારના રોજ વહેલી સવારે સ્કૂલવાન અને સ્કુલબસ વચ્ચે અકસ્માત થતા 6 બાળકોને ઇજા થઇ હતી.સદનસીબે તમામ બાળકોનો આબાદ બચાવ થયો હતો.પુરઝડપે અને ગફલતભરી રીતે ક્ષમતા કરતા વધુ બાળકોને લઈ જતા વાનચાલક પર કીમ પોલીસે ગુનો નોંધ્યો હતો.જોકે સદર ઘટના બાદ કીમ વિસ્તારમાં ફરતા 25 જેટલી સ્કૂલવાનના ચાલકોમાં કીમ પોલીસ અને આર.ટી.ઓ એક્શન લઈ શકે તેવા સ્કૂલવાનો બંધ રહી હતી.
શિક્ષણ મંત્રીએ પણ આ ઘટના અંગે માહિતી મેળવી: આ અંગે મળતી વિગત મુજબ મૂળદ પાટિયા પાસે સ્કૂલવાન અને સ્કુલબસ અકસ્માતમાં વાન પલટી ખાઈ જતા 6 બાળકોને ગંભીર ઇજા પહોંચી હતી. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ સદર ઘટનામાં માહિતી મંગાવતા જિલ્લા ગ્રામ્ય ડીવાયએસપી આર.આર. સરવૈયાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આવા અકસ્માતોને કારણે વાલીઓને હેરાનગતિ: સદર અકસ્માતની ઘટના બાદ બીજા દિવસે લગભગ 25 જેટલી સ્કૂલવાનોના પૈડાં થંભી ગયા હતા.માહિતી મુજબ આજરોજ કીમ વિસ્તારમાં આરટીઓની ગાડીઓ પણ ફરી રહી છે, જેથી મોટાભાગના સ્કૂલવાહનો બંધ રહ્યા હતા. તંત્ર દ્વારા વિવિધ કાગળો અને ખામીઓ બતાવી સ્કૂલવાન ચાલકો પર દંડની કાર્યવાહી થઈ શકે એવા ડરે સ્કૂલવાનો ન દોડતા આજરોજ વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક વાલીએ જણાવ્યું હતું કે, વહેલી સવારે સ્કૂલવાન આવી નથી, જેથી અમારે બાળકોને સ્કૂલે મુકવા જવામાં નોકરી ધંધે જવામાં મોડા પડ્યા હતા. તો અનેક શાળાઓમાં બાળકો આ કારણે મોડા પહોંચ્યા અને કેટલાક બાળકો તો ગેરહાજર જ રહ્યા હોવાનીની વિગતો મળી છે. આ ઘટના બાદ કીમ પોલીસે વાન ચાલક પર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.