જુનાગઢ: કડકડતી ઠંડી વચ્ચે દેશભરમાંથી આવેલા 506 જેટલા સ્પર્ધકોએ 16 મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગિરનારને સફળતાપૂર્વક આંબવા માટેની દોટ લગાવી હતી. છેલ્લાં 16 વર્ષથી દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના પહેલા રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું આવ્યું છે. આ વર્ષે ગુજરાત ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને દિવ-દમણના મહિલા અને પુરુષ મળીને કુલ 506 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે જુનિયર અને સિનિયર ભાઈઓ મળીને 318 સ્પર્ધકો તેમજ સિનિયર અને જુનિયર બહેનો મળીને 188 સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે દોડ લગાવતા નજરે પડ્યાં હતાં.
આ વર્ષે ઈનામી રાશિ: રાજ્ય સરકાર દ્વારા આ વખતે રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલા સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને પણ આ સ્પર્ધા ખૂબ જ રોમાંચિત બની રહી છે, વર્ષ 2008 થી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને રાષ્ટ્રીય સ્તરે આયોજિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2008 સુધી આ સ્પર્ધા માત્ર રાજ્ય સ્તરની સ્પર્ધા તરીકે ઓળખાતી હતી.
શહેરીજનોએ વધારો સ્પર્ધકોનો ઉત્સાહ: રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી સ્પર્ધકો આવ્યા હતા, ખૂબ જ મુશ્કેલ અને જટિલ ગણાતી ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ખેલાડીઓનો શારીરિક અને માનસિક જુસ્સો વધારવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પણ વહેલી સવારમાં ગિરનારની તળેટીમાં ઉમટી પડ્યાં હતાં અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો.
સ્પર્ધા માટે જરૂરી: મહત્વપૂર્ણ છે કે, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને ત્યાર બાદ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ ફરજિયાત કરાવવાનું હોય છે, મેડિકલ તપાસમાં સ્વસ્થ જાહેર થયેલા મહિલા અને પુરુષ સ્પર્ધકો જ ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.