બનાસકાંઠા: બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે પાલનપુર તાલુકામાં ગામેગામ વિરોધ બાદ પણ તંત્ર કે સરકાર ન સાંભળતા 16 ગામના 500 જેટલા ખેડૂતોએ "ખેડૂત બચાવો ખેતી બચાવો"ના આંદોલન સાથે ખોડલા ગામે બેઠક કરી આગામી લડતના શ્રી ગણેશ કરી લીધા છે. પાલનપુર શહેરના ફરતે નવીન બની રહેલા બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. આ બાયપાસ પાલનપુર તાલુકાના 16 ગામમાંથી પસાર થવાનો છે. જેમાં 1500થી વધુ ખેડૂતો આ બાયપાસ રોડથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે.
ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં: આ બાયપાસ રોડમાં ક્યાંક 100 મીટર ક્યાંક 70 મીટર જમીન સંપાદન થઈ રહી છે. બાયપાસ રોડમાં જમીન સંપાદનમાં વિસંગતતા અને વધુ જમીન કપાતી હોવાના મુદ્દાઓને લઈને ખેડૂતો છેલ્લા ઘણાં દિવસોથી ગામેગામ વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ તંત્ર કે સરકાર દ્વારા કોઈજ નિરાકરણ ન લાવતા હવે ખેડૂતો આખરે લડી લેવાના મૂડમાં છે. 16 ગામના 500થી વધુ ખેડૂતો ખોડલા ગામે મહાદેવના મંદિરે એકત્ર થયા હતા અને લડતના મુદ્દાઓ તૈયાર કરી સરકાર સામે બાયો ચડાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા: ખોડલા ગામે મળેલી આ બેઠકમાં પાલનપુર ભાજપના વર્તમાન ધારાસભ્ય અનિકેત ઠાકર પણ ખાસ હાજર રહ્યા હતા. તેમને ખેડૂતોએ ખાસ વિનંતી કરી છે કે, આગામી દિવસોમાં આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે અને ખેડૂતોના હિતલક્ષી નિર્ણય લેવામાં આવે જોકે અનિકેત ઠાકરે ખેડૂતોના જે કોઈ પ્રશ્નો છે. તેમને સરકાર સમક્ષ મૂકી તેનું નિરાકરણ લાવવા રજુઆત કરશે. તેવું જણાવ્યું હતું. જોકે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ગામેગામ બાયપાસ રોડમાં જમીન વધુ ન જાય તેનો વિરોધ કરી રહ્યા છે.
ખેડૂતોના પ્રશ્નોનું કોઇ નિરાકરણ આવ્યું નથી: ખેડૂતોનું કહેવું છે કે, સરકાર કે તંત્રને બાયપાસ રોડ બનાવવા માટે આટલી જમીનની જરૂર નથી. તો શું કામ આટલી જમીન સંપાદન કરવામાં આવી રહી છે? તેવો સવાલ ઉઠાવી રહ્યા છે. જો આટલી જ જમીન સંપાદન થશે તો ઘણા એવા ખેડૂતો છે. જે જમીન વિહોણા બની જશે. જેથી આ મુદ્દે સરકારને અને તંત્ર ખેડૂતોની વાત સાંભળે તેવી અનેક વખત રજૂઆત ખેડૂતો કરી ચૂક્યા છે. ત્યારે આજદિન સુધી આ પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી.
ખેડૂતોએ ખોડલા ગામે બેઠક બોલાવી: આખરે આજે ખોડલા ગામે ખેડૂતોએ એકત્ર થઈ આ મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે આગામી દિવસોમાં નિર્ણય નહી લેવામાં આવે તો ખેડૂતો દ્વારા ગામેગામથી એકત્ર થવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સાથે જ ઉગ્ર આંદોલન ખેડૂતો ભેગા મળીને કરશે તેવી બાદ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.