સુરત: શહેરની પાલનપોરની આ 318 નંબરની શાળાના આચાર્યને આ સમગ્ર મામલે બરતરફ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ CRCના ૩ સભ્યોને નોટિસ આપવામાં આવી છે.શાળાના પ્રિન્સિપાલે યોગ્ય કારણ વગર જ વિદ્યાર્થીઓને LC આપી દીધાનો આક્ષેપ લાગ્યો હતો જે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ભલે વિદેશ જાય તો એક વર્ષ સુધી તેમની ઉપર કાર્યવાહી થતી નથી પરંતુ, જો બાળકો શાળામાં રજા રાખે તો LC(લિવિંગ સર્ટિફિકેટ) આપી દેવામાં આવે છે. આ ઘટના સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલ સમિતિની 318 નંબર શાળામાં બની છે. જેમાં અનેક નાના-નાના કારણો આપીને 46 જેટલા વિદ્યાર્થીઓને LC આપી દેવામાં આવી છે. સમિતિના સભ્ય સ્વાતિ સોસા દ્વારા રજૂઆત કરાતા આજે 7 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન તો આપવામાં આવ્યા છે પરંતુ, અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં છે. આ ઘટનાની જાણ થતાં જ શિક્ષણ મંત્રી એક્શનમાં આવ્યા. 318 નંબરની શાળાના મુખ્ય શિક્ષકને બરતરફ કરવા આદેશ અપાયો જ્યારે CRCના 3 સભ્યોને નોટિસ આપવામાં આવી.
મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આબરૂ ફરી એક વખત ધૂળધાણી થઈ છે. પાલનપોર કેનાલ રોડ ઉપર આવેલી સમિતિની શાળામાં જૂનથી લઈને અત્યાર સુધીમાં તબક્કાવાર બે-ચાર નહીં 46 જેટલા વિદ્યાથીઓને હાંકી કઢાયા છે. એક યા બીજા કારણોસર આચાર્ય દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. એક બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કૂલોના બાળકોની સંખ્યા વધી રહી હોવાની શાસકો દ્વારા વાહવાહી લૂંટાઈ રહી છે. તંત્ર છાતી ફુલાવી રહ્યું છે. આ હકીકત વચ્ચે શરમજનક કિસ્સો બહાર આવ્યો છે.
શિક્ષણ સમિતિ દ્વારા બાળકોને એક યા બીજા કારણોસર હંમેશા માટે ઘરભેગા કરવામાં આવી રહ્યાં છે. બાળકોની નાની-નાની બાબતોને ઇશ્યું બનાવી લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવી રહ્યાં છે. આ વખતે એક જ શાળામાંથી માત્ર ગણતરીના મહિનામાં અત્યાર સુધીમાં 46 બાળકોને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દઈ શાળામાંથી હંમેશા માટે રજા આપી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
બાળકો ગેરહાજર રહેતા હોવાના કારણે LC આપ્યા: વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કે, તેમના બાળકોને શાળામાંથી કાઢવામાં ન આવે અને એડમિશન આપવામાં આવે પરંતુ, શાળાના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરુકિયાએ જણાવ્યું હતું કે, જે પણ આક્ષેપો થયા છે તે હકીકત નથી. અમે જૂન પછી 46 બાળકોને LC આપ્યા છે કારણ કે, વાલીઓએ ડિમાન્ડ કરી હતી અથવા તો અનેક બાળકો એવા છે કે, જેઓ ગેરહાજર રહેતા હતા. અમે તેમના વાલીઓને સંપર્ક પણ કર્યા હતા પરંતુ, તેઓએ ટીચરના મોબાઈલ નંબર પણ બ્લોકમાં મૂકી દીધા હતા. વાલીઓએ અરજી આપી છે ત્યારે અમે LC આપ્યા છે. એક બાળકનું મૃત્યુ થયું છે, બે બાળકો ખાનગી શાળામાં એડમિશન મેળવ્યા છે. બાકીના બાળકોના સ્થળાંતરના કારણે લિવિંગ સર્ટિફિકેટ આપ્યા છે.