જૂનાગઢ : આજે ભારતીય જનતા પાર્ટીનો 44 મો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 6 એપ્રિલ, 1980 ના રોજ જનસંઘમાંથી ભાજપની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1984 ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ભાજપે રાજકીય પક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. આજે 43 વર્ષ પૂર્ણ કરી રહેલા ભાજપમાં પાયાના પથ્થર કહી શકાય તેવા મૂળભૂત કાર્યકરો પોતાની જાતને ઉપેક્ષિત માનતા હોય તેવું સામે આવ્યું છે.
ભાજપનો સ્થાપના દિવસ : આજે ભાજપનો 44 મો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 6 એપ્રિલ, 1980 ના રોજ જનસંઘમાંથી સ્વતંત્ર રાજકીય પક્ષ તરીકે ભાજપની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી વર્ષ 1984 ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ભાજપે રાજકીય પક્ષ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. જેમાં ભાજપને માત્ર બે જ બેઠક મળી હતી. વર્ષ 1980 માં સ્થાપનાથી લઈને આજે 2024 સુધીમાં ભાજપે રાજકીય પાર્ટી તરીકે અનેક સફળતા સાથે દેશમાં પ્રચંડ લોક સમર્થન પ્રાપ્ત કર્યું છે.
પીએમ મોદીનું વડપણ :છેલ્લા દસ વર્ષથી દેશમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સરકાર ચાલી રહી છે. પરંતુ આટલી મોટી સફળતા બાદ પણ આજે પક્ષને ઉભો કરવામાં અને તેની સ્થાપના પાછળ જેમણે પોતાના દિવસ-રાત માત્ર પાર્ટીને આપ્યા હતા, તેવા પક્ષના વરાયેલા અને વરિષ્ઠ કાર્યકર ખુશ જોવા મળતા નથી.
ભાજપની રાજકીય સફર : 44 વર્ષની આ સફરમાં આજે ભાજપ પોતાની વિચારધારાને લઈને પક્ષમાં કામ કરતા કાર્યકર્તાઓ પોતાની જાતને ખૂબ જ ઉપેક્ષિત માની રહ્યા છે. આજે ભાજપમાં અન્ય વિચારધારા અને મુખ્યત્વે કોંગ્રેસમાંથી આવેલા મોટાભાગના કાર્યકરો સરકારમાં પ્રધાન કે પક્ષમાં પદ પર બેઠેલા જોવા મળે છે. જેના કારણે પાર્ટીના સન્નિષ્ઠ અને સિનિયર કાર્યકર્તાઓ આજે ખુશ જોવા મળતા નથી.
પાયાના કાર્યકરોની લાગણી : કોંગ્રેસ સામે લડાઈ આપવા માટે જનસંઘમાંથી સ્વતંત્ર રાજકીય પક્ષ તરીકે ભાજપની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ આજે આ ભાજપ પક્ષ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોથી ઉભરાઈ રહ્યો છે. જેના કારણે પણ પક્ષના સિનિયર આગેવાનો અને ખાસ કરીને પક્ષને ઉભો કરીને આજે સફળતાની સ્થિતિમાં પહોંચાડ્યો છે તેવા વયોવૃદ્ધ સિનિયર નેતા અને કાર્યકરો આજે પક્ષમાં જ પોતાની જાતને ઉપેક્ષિત માની રહ્યા છે.
સરકાર અને સંગઠનમાં આઉટસાઈડ એન્ટ્રી : કેન્દ્રથી લઈ ગુજરાત સરકાર સહિત અન્ય પ્રાંતોમાં ભાજપના વડપણ હેઠળ ચાલતી સરકારોમાં મૂળ ભાજપના કહી શકાય તેવા ખૂબ જૂજ નેતાઓ પ્રધાન પદ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. આજે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારમાં અન્ય પક્ષ અને ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પ્રધાન પદ મેળવવામાં સૌથી ઓછા સમયમાં સફળ થયા છે. જેના કારણે પણ પાર્ટીના વરાયેલા અને સંસ્થાપક સદસ્યોમાં ભારે નારાજગી જોવા મળે છે.
સિનિયર કાર્યકરોનો અસંતોષ : માત્ર સરકાર જ નહીં પરંતુ ભાજપના સંગઠનમાં પણ ક્યારેય જનસંઘમાં કામ કર્યું નથી એવા લોકો અને અન્ય રાજકીય પાર્ટીમાંથી આવેલા કાર્યકર્તાઓને મહત્વની ભૂમિકા આપવામાં આવી છે. ભાજપમાં પણ તેમને કામ કરવાનો અનુભવ આંગળીને વેઢે ગણી શકાય તેટલા વર્ષોનો છે. તેમ છતાં તેઓ આજે ભાજપની સરકાર અને સંગઠનમાં મહત્વના હોદ્દાઓ પર બેઠેલા જોવા મળે છે. જાને કારણે પણ પાર્ટીનો એક સિનિયર કાર્યકર્તા વર્ગ આજે ભાજપના સ્થાપના દિવસે જ પોતાની જાતને દુઃખી મહેસુસ કરી રહ્યો છે.