જુનાગઢ: ગીરની પ્રખ્યાત કેસર કેરીની સીઝન આજે વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. 1લી મેના દિવસે તાલાળા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને આજે 11 જૂનના દિવસે કુલ 05 લાખ 96 હજાર 700 જેટલા 10 કિલો કેરીના બોક્સની આવક થઈ છે. જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી છે પરંતુ સરેરાશ બજાર ભાવોને કારણે સિઝન સારી જોવા મળી હતી.
ગીરની કેસર કેરીની સીઝન થઈ પૂર્ણ: ગીરની પ્રખ્યાત કેસર કેરીની સીઝન આજે વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સિઝનની અંતિમ જાહેર હરાજી યોજવામાં આવી હતી. જેમાં આજે છેલ્લા દિવસે 4960 જેટલા 10 કિલોના બોક્સની આવક થવા પામી હતી. આજે હરાજીના અંતિમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના નીચામાં 460, ઉંચામાં 1200 અને સરેરાશ 725 રૂપિયા પ્રતિ 10 કિલોના બોક્સના જોવા મળ્યા હતા. હવે વર્ષ 2025 માં ફરીથી એક વખત તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થાય ત્યાં સુધી યાર્ડ કેરીની હરાજી માટે બંધ કરવામાં આવ્યુ છે.
આવકમાં સરેરાશ ઘટાડો પરંતુ બજાર ભાવોમાં સરેરાશ વધારો: તાલાલા માર્કેટિંગ યાર્ડની સિઝન પૂર્ણ થતા જ સચિવ રમેશભાઈએ યાર્ડ ના કામકાજને લઈને વિગતો આપી છે વર્ષ 2024 25 ના વર્ષે 05 લાખ 96 હજાર 700 જેટલા 10 કિલોના કેરીના બોક્સની આવક થઈ છે સરેરાશ બજાર ભાવ 700 ની આસપાસ જોવા મળ્યો છે આ વર્ષની માર્કેટિંગ યાર્ડના વેપારની વાત કરીએ તો કુલ 41 કરોડ 90 લાખ 60 હજાર નો વેપાર પાછલા 41 દિવસ મા તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડમાં થયો છે પાછલા વર્ષની સરખામણીએ આવકમાં 6 લાખ કરતાં વધુ બોક્સનો ઘટાડો નોંધાયો છે પરંતુ સરેરાશ બજાર ભાવોમાં 275 રુપિયા નો મોટો વધારો પણ થયો છે.
એક દસકાની આવક અને બજાર ભાવ: તાલાળા મેંગો માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2014 થી લઈને 2024 સુધીના આવક અને બજાર ભાવો પર નજર કરીએ તો આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ સરેરાશ ભાવોમાં વધારો થતો જોવા મળે છે. વર્ષ 2017/2018 માં 10 લાખ 67 હજાર 755 જેટલા 10 કિલોના બોક્સની આવક થઈ હતી. તે સમયે 265 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. વર્ષ 2022/23 સુધી આવકમાં સતત ઘટાડો નોંધાયો હતો. પરંતુ આ વર્ષમાં 740 રૂપિયા જેટલો સરેરાશ ભાવ જે પાછલા એક દશકાનો સૌથી વધુ નોંધાયો હતો. આવકમાં વર્ષ 2023/24 માં અચાનક ખૂબ મોટો વધારો થયો અને 6 લાખના વધારા સાથે કુલ 11 લાખ 13 હજાર 540 જેટલા 10 કિલોના બોક્સની આવક થઈ હતી. પરંતુ સરેરાશ બજાર ભાવોમાં 300 નો ઘટાડો નોંધાયો હતો.