ખેડા: હવે કુરિયરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ખેડાના કનેરામાં આવેલા દેલ્હીવેરી કુરિયરના ગોડાઉનમાંથી કુરિયરમાં આવેલ બે પાર્સલમાં દિલ્હીથી મોકલવામાં આવેલ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. જે પાર્સલ મહેસાણા મોકલવાનું હતું.
એલસીબીને બાતમી મળતા કાર્યવાહી: ખેડા એલસીબીની યાદી મુજબ મળેલી બાતમીને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કનેરા ખાતે આવેલ પેલેડીયમ લોજીસ્ટીક પાર્કમાં અસ્વીકા વેરહાઉસમાં દેલ્હીવેરી કુરિયર કંપનીમાં બે પાર્સલમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપની દ્વારા કુરિયરમાં ભારતીય વિદેશી બનાવટની દારૂની બોટલો બે બોક્સમાં પાર્સલ કરીને કુરિયર મોકલવામાં આવ્યુ હતું. બોક્સની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂની રૂ.20,500 ની કિંમતની 41 નંગ બોટલો મળી આવી હતી.
મહેસાણા મોકલવાનું હતું પાર્સલ: દિલ્હીથી આવેલ આ પાર્સલ મહેસાણા મોકલવાનું હતું. જેની પર મોકલનાર અને મેળવનાર એમ બંનેના સરનામાના સ્ટીકર ચોંટાડેલા હતા. જેને લઈ પોલીસ દ્વારા આ કુરિયર મોકલનાર અને મેળવનાર(લેનાર)એમ બંને વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં કુરિયર મોકલનાર લક્ષ્મી ગ્લાસ કંપની, મુલતાની બિલ્ડીંગ, 879/6,નરેન માર્કેટ, સદર બજાર, ન્યુ દિલ્હી છે. જ્યારે પાર્સલ મેળવનાર રાજનસિંહ ચૌહાણ, રહે.આનંદપુરા ચોકડી, રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક, વિજાપુર, મહેસાણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલિસે નિષ્ફળ બનાવ્યો ભેજાબાજોનો પ્રયાસ: ભેજાબાજો દારૂની હેરાફેરી માટે અનેક અવનવા કિમીયા અજમાવતા હોય છે. ત્યારે હવે કુરિયર મારફતે દારૂ મોકલવામાં આવ્યો હતો. જો કે કુરિયરમાં પાર્સલ દ્વારા દારૂની હેરાફેરી કરવાનો ભેજાબાજોનો આ પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસને બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બંને બોક્સમાં કુરિયર કંપનીના એક્સ રે મશીનમાં તપાસ કરાવતા બોક્સમાં બોટલો હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ એક બોક્સમાંથી પ્રવાહી નીકળતું હોઈ તેમાંથી દારૂની વાસ આવતી હતી. જેને પંચો રૂબરૂ ખોલતા બંને બોક્સમાંથી દારૂ મળી આવ્યો હતો.