કરછ: 6 જૂનના રાત્રે થઈ હતી 40 લાખની લૂંટ :પૂર્વ કચ્છના અંજારના પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 392, 397, 120(બી) તથા જી.પી.એક્ટ 135 મુજબ લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં અંજારના મહાવીર ડેવલોપર્સ સાથે બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બનેલ જે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
છરીની અણીએ 4 લોકોએ મચાવી લૂંટ: પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહાવીર ડેવલપર્સ ઓફિસની અંદર કામ ક૨તા કર્મચારીઓ દ્વારા ફરીયાદીની નીચે પાર્ક કરેલ કારમાં રોજબરોજની જેમ રૂપીયા 40 લાખ તેમજ જરૂરી દસ્તાવેજો તેમજ લેપટોપ બેગ મુકવા માટે ગયેલ જે દરમિયાન બે મોટર સાઈકલ પર આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા કર્મચારીઓને છરી બતાવી કર્મચારીઓના હાથમાં રહેલ રૂપીયાથી ભરેલ કાપડ બેગ તેમજ દસ્તાવેજ ભરેલ બેગ છરીની અણીએ લૂંટ કરી ભાગી ગયા હતા.
પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરી હતી: ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી જેમાં અંજાર પોલીસ સ્ટેશન તેમજ પૂર્વ કચ્છ એસ.ઓ.જી. પૂર્વ દ્વારા અલગ અલગ પોલીસ ટીમો બનાવી જાહેર રસ્તાઓ ઉપર આવેલા તમામ સી.સી.ટી.વી ફુટેઝ એનાલીસીસ કરવામાં આવ્યા હતા. તેમજ મહાવીર ડેવલપર્સના સ્ટાફના લોકોનું પણ પોલીસ ટીમ દ્વારા વારફરતી ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું.
સ્ટાફના પટ્ટાવાળાએ કરી ગુનાની કબૂલાત: પોલીસ દ્વારા જ્યારે મહાવીર ડેવલપર્સના સ્ટાફના લોકોની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન સ્ટાફમાં કામ ક૨વા આવેલ કિશોર (બાળક) પટ્ટાવાળાની વાતો શંકાસ્પદ જણાતા વધુ પૂછપરછ કરતા પટ્ટાવાળા બાળકે ગુનો પોતે તથા અન્ય એક મહિલા અને આશરે છ થી સાત માણસો સાથે મળીને કર્યા હોવાનું કબૂલ્યું હતું.
બાઈક પર આવીને કરી હતી લૂંટ: ઓફિસ બંધ કરતાં સમયે કારમાં રૂપિયા મુકતી વખતે અન્ય આરોપીઓને માહિતી આપી ગુનો કર્યો હોવાની કબુલાત આપેલ બાદ પોલીસે અન્ય આરોપીઓની હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ તપાસના આધારે જુદા જુદા વિસ્તારો તેમજ જીલ્લાઓમાંથી શોધખોળ કરી હતી. લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ અને તમામ સાધનો શોધી કાઢી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
લૂંટ ચલાવનાર આરોપીઓ :-
(1) 19 વર્ષીય ભુપેન્દ્ર છોટેલાલ કેવર
(2) 20 વર્ષીય હબીબ ઉર્ફે આદીલ હાજીભાઈ કોરેજા
(3) ફારૂક જુમા નારેજા (
4) મામદ બાવલા મથડા
ગુનાહિત કાવતરું રચનાર અને ટીપ આપનાર આરોપીઓ :-
(5) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કે જે ઓફીસમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો
(6) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કે જે મહિલા આરોપી ફરજાનાનો મિત્ર છે અને મેસેજ દ્વારા ટીપની લેવડ દેવડ કરી હતી.
(7)34 વર્ષીય ફરજાના ઉર્ફે મંજુ ઈમરાનખાન મલેક
મદદ કરનાર અન્ય આરોપીઓ :-
(8) કાયદાના સંઘર્ષમાં આવેલ રેકી કરનાર કિશોર
(9) 23 વર્ષીય ઈકબાલ મીઠુભાઈ બાયડ કે જેને મુદ્દામાલના રૂપીયા છુપાવ્ય હતા
મુદ્દામાલ રીકવર: પોલીસે આરોપીઓના કબ્જામાંથી લૂંટમાં ગયેલ 40 લાખ રોકડા, 70 હજારની કિંમતના 10 જેટલા મોબાઈલ ફોન, 60 હજારની કિંમતની 2 મોટર સાયકલ મળીને કુલ 41.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાંથી 2 જેટલા આરોપીઓનો ગુનાહિત ઇતિયાસ ચાલુ જ રહ્યો છે, જેમાં આરોપી ભુપેન્દ્ર છોટેલાલ કેવર સામે અંજાર પોલીસ સ્ટેશનમાં 1 અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 એમ 3 ગુના નોંધાયેલા છે. તો આરોપી ઈકબાલ મીઠાભાઈ બાયડ સમયે મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે 2 જેટલા ગુનાઓ નોંધાયેલ છે.
ગુનાને અંજામ આપવાનો હેતુ: પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડેલ આરોપીઓ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (બાળકો) પૈકીનો એક કિશોર મહાવીર ડેવલપર્સમાં ઓફિસમાં છેલ્લા 1.5 મહિનાથી પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો અને ઓફીસમાં થતા રોજ-બરોજના લાખો રૂપીયાના હિસાબોને જોઈ લોભ-લાલચમાં આવી જતા તેની અગાઉ પાડોશમાં રહેતા મહિલા આરોપી ફરજાના મલેક તથા ફરજાનાના મિત્ર સાથે મળી લૂંટ કરવાનુ ષડયંત્ર રચી ફરજાનના મિત્રએ તેના અન્ય મિત્રો સાથે મળીને લૂંટ જેવા ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપ્યો હતો.