સુરત : દક્ષિણ ગુજરાતમાં માથાભારે છાપ ધરાવનાર સજ્જુ કોઠારી ગેંગ સામે સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત ઉપરાછાપરી બે વખત ગુજસીટોક લગાવી કાર્યવાહી કરાઈ હતી. ત્યારે હવે ઈડીએ પણ સજ્જુ કોઠારી અને અલ્લારખા સામે કાર્યવાહી શરૂ કરી છે. સજ્જુ કોઠારી અને અલ્લારખાએ લોકોને ડરાવી ધમકાવીને અનેક પ્રકારના ગુનાને અંજામ આપી જે પણ સ્થાવર મિલકત બનાવી હતી, એવી 4.29 કરોડની 31 સ્થાવર મિલકત ED દ્વારા ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી છે.
સજ્જુ કોઠારી પર EDનો સકંજો : સુરતમાં માથાભારે છાપ ધરાવનાર સજ્જુ કોઠારી ગેંગ સામે સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત ઉપરાછાપરી બે વખત ગુજસીટોક લગાવી કાર્યવાહી કરાઈ હતી. ત્યારે હવે એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા સજ્જુ કોઠારી અને અલ્લારખા સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. સજ્જુ કોઠારી અને અલ્લારખાએ આજ દિન સુધી અપરાધિક પ્રવૃત્તિના માધ્યમથી જે પણ સ્થાવર મિલકત ખરીદી હતી, એવી 4.29 કરોડની 31 સ્થાવર મિલકત ઈડી દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી.
4.29 કરોડની મિલકત પર કાર્યવાહી : ED એ મની લોન્ડરીંગ એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરી છે. સુરત પોલીસે સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગારના 6 કેસ નોંધાયા હતા. ED ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ મિલકત તેણે કબજે, ધમકી જેવા અનેક ગુના કરીને ભેગી કરી હતી. તેની સાથે અનેક લોકો ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે.
સજ્જુના વ્હાઇટ કોલર ભાગીદાર ? પોરબંદર જેલમાં સજ્જુ કોઠારીની સુરત પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે અલ્લારખાની સુરત લાજપોર જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઈડીની તપાસમાં અનેક વ્હાઇટ કોલર નામ સામે આવ્યા છે, જે સજ્જુ સાથે ભાગીદાર હતા. પરંતુ હાલમાં વિભાગ દ્વારા વધુ માહિતી આપી નથી. પરંતુ આવનારા દિવસમાં જો આ તપાસ આગળ ઊંડાણપૂર્વક વધશે તો અનેક મોટા માથાના નામ સામે આવે તો નવાઈ નહીં.