મોરબી: મોરબીમાંથી પત્રકારના નામે તોડબાજી કરતા 3 શખ્સો ઝડપાયા છે. મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ગત 5 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન ત્રાજપર ચોકડી ખાતે આવેલા પેટ્રોલ પંપના સંચાલક અને ફરિયાદી કૃષિતભાઈ સુવાગીયાએ આ ત્રણ તોડબાજ પત્રકાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ખોટી કહાની ઉભી કરી: ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, જયદેવ બુદ્ધભટ્ટી નામના આરોપીએ પેટ્રોલ પંપ પર ડીજીટલ પેમેન્ટ ચાલતુ ન હોવાની ખોટી વાર્તા ઉભી કરીને બોલાચાલી કરી હતી, જ્યારે મયુર બુદ્ધભટ્ટી અને રાધેશ બુદ્ધભટ્ટી નામના આરોપીઓએ આ અગાઉ મીડિયાનું આઈ કાર્ડ રીન્યુ કરવાના બહાને તેમની પાસેથી 3 હજાર રૂપિયા પડાવ્યા હતાં.
આરોપીઓ પોલીસ રિમાન્ડ પર : આરોપી જયદેવે પોલીસમાં કરેલ અરજી અને મોબાઈલમાં બનાવેલ વીડિયો ડીલીટ કરવા બાબતે ફરિયાદી કૃષિત ભાઈ અને તેમના પિતા સિહત પાર્ટનર પાસેથી રૂ. 50 હજારની માંગણી કરી હતી. આ અંગેની ફરિયાદના આધારે પોલીસે આરોપી રાધેશ કિશન બુદ્ધભટ્ટી, જયદેવ કિશન બુદ્ધભટ્ટી અને મયુર કિશન બુદ્ધભટ્ટી નામના ત્રણ તોડબાજ પત્રકારોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા.
600 જેટલાં પ્રેસના કાર્ડ ઈસ્યૂ કર્યા : આ તોડબાજ પત્રકારોને ઝડપી લઈને પોલીસે સઘન પૂછપરછ કરી હતી, જે દરમિયાન કેટલાંક ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપીએ પત્રકાર હોવાનો દાવો કરી પબ્લિકમાં પત્રકાર તરીકેના આઈ કાર્ડ વહેંચી પૈસા પડાવ્યા હોવાનું પણ ખુલ્યું છે. વર્ષ 2013 થી અત્યાર સુધીમાં આ તોડબાજોએ આશરે 600 જેટલા પ્રેસના આઈ કાર્ડની વહેંચણી કરી છે. જેમાં પોતે પત્રકાર ના હોવા છતાં આઈ કાર્ડ ધારક ટોલટેક્ષ બચાવવા અને વીવીઆઈપી સુવિધા મેળવવા તેમજ સર્કીટ હાઉસમાં સુવિધા મેળવવા માટે એક આઈ કાર્ડના રૂપિયા 3000 થી 8000 મેળવતા હોવાનું જણાઈ આવ્યું છે.