બનાસકાંઠા : જગવિખ્યાત માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવનાર તમામ માઈભક્તો માટે સુરક્ષા સાથે સેવાની તમામ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. સાથે જ આવનારા તમામ ભક્તો માટે ત્રણ કરોડનું વીમા કવચ પણ લેવામાં આવ્યું છે. જે અકસ્માત સહિતના વિવિધ બનાવોમાં વીમા કવચનો લાભ ભક્તોને મળી શકશે.
શ્રદ્ધાળુઓ માટે વીમા કવચ : દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવનાર તમામ ભક્તો માટે અંબાજી ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વીમા કવચ લેવામાં આવતું હોય છે. જો ભાદરવી પૂનમના મેળા દરમિયાન કોઈ પણ માઇ ભક્તનું કોઈ પણ પ્રકારના અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેને આ વીમા કવચનો લાભ મળી શકે છે. અંબાજીથી 20 કિલોમીટરના અંતરમાં અને 21 દિવસ સુધીની સમય મર્યાદામાં વીમા કવચનો લાભ મળવાપાત્ર રહે છે. જોકે મૃત્યુ પામનારા ભક્તને ઉંમર પ્રમાણે નિયમો અનુસાર તેના ક્લેમની રકમ મળી શકે છે.
ત્રણ કરોડનું વીમા કવચ : અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે, દર ભાદરવી પૂનમ પર મંદિર ટ્રસ્ટ દ્વારા વીમા કવચ લેવામાં આવતું હોય છે. જો કોઈ દુઃખદ ઘટના બને તો આનો લાભ મળી શકે છે. અત્યારે અમે ત્રણ કરોડનું વીમા કવચ લીધું છે. એટલે કે કહી શકાય કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, સલામતી, સેવા સાથે દુઃખદ અકસ્માતની ઘટનામાં પણ પરિવારને આર્થિક મદદ થાય તે માટે વીમા કવચ સહિતની વ્યવસ્થા કરાઈ છે.
સેવાભાવી સંસ્થાઓનો સહયોગ : દર ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાતના જ નહીં વિશ્વભરમાંથી લાખો માઈભક્તો અંબાજીમાં ઉમટી પડતા હોય છે. જેમના માટે વહીવટી તંત્ર તો ખડે પગે રહે જ છે, પરંતુ સેવાભાવી સંસ્થાઓ પણ તેમની સેવામાં લાગી જતી હોય છે. દર વર્ષે મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો સુખી સંપન્ન રીતે પરિપૂર્ણ કરવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે પણ વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ ખૂબ જ આયોજનબદ્ધ કરી લીધી છે.