સિદ્ધપુરઃ શહેરના હાલાર સરોવરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, કર્મચારીઓ અને સેવાભાવી નાગરિકોનું સન્માન કર્યુ હતું.
વિવિધ રજૂઆતોઃ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પોલીસ પરેડ યોજાઈ હતી. તેમજ જિલ્લાની વિવિધ શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલ રામલીલા ઉપસ્થિતોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા વિવિધ ટેબ્લોની સચોટ રજૂઆત કરવામાં આવી હતી. આરોગ્ય પ્રધાને આ રજૂઆતોને માણી તેમજ બિરદાવી હતી. તેમણે ખુલ્લી જીપમાં મેદાનમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ઋષિકેશ પટેલે પોતાના વક્તવ્યમાં ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ અને વડા પ્રધાન મોદીના વિક્સિત ભારતની સંકલ્પના વિશે જણાવ્યું હતું.
માતૃ શ્રાદ્ધ માટેની આ ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ ઉપર આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું. વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાતે નક્કર પગલાં લીધા છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવા આયામો સર્જાયા છે. સરકારે દરેક વ્યક્તિના આરોગ્યની ચિંતા કરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે રૂપિયા બે લાખથી શરૂ કરેલી મા યોજના અત્યારે 10 લાખની સહાય આપતી થઈ છે...ઋષિકેશ પટેલ(આરોગ્ય પ્રધાન)