રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9 માસ બાદ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓની સજા માટેની બેઠક મળી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળેલી 2 દિવસની આ બેઠકમાં પરીક્ષામાં ગેરરીતિ આચરતા 243 વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2 વિદ્યાર્થીને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા, જ્યારે 230 વિદ્યાર્થીઓને 1+0 અને 11 વિદ્યાર્થીઓને 1+1 ની સજા સંભળાવવામાં આવી હતી.
પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત વિગત મુજબ અહીં છેલ્લા નવ માસથી પરીક્ષા ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા માટેની બેઠક મળી રહી ન હતી. પરંતુ તાજેતરમાં જ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટના સ્ટેચ્યુટ ગેઝેટ બહાર પડતાની સાથે જ આજે આ બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળી હતી. જેમાં છેલ્લા નવ માસ દરમિયાન અલગ અલગ કોર્સની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓનું હિયરિંગ રાખવામાં આવ્યું હતું.
243 વિદ્યાર્થીઓનું હિયરીંગ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લીગલ ઓફીસર રાજુ દવેએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 9 માસ દરમિયાન પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા માટે બે દિવસ હિયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 243 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જોકે, તેમાં 132 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, તો 111 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
241 વિદ્યાર્થીઓને સજા : હિયરીંગમાં ચબરખી લઈને આવતા ઉપરાંત એક-બીજામાંથી કોપી કેસ કરતા અને મોબાઈલ લઈને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યા હતા. જેમાં 230 વિદ્યાર્થીઓને 1+0 સજા, તો 11 વિદ્યાર્થીઓને 1+1 એટલે કે, વધુ 6 માસ પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે. જ્યારે 2 વિદ્યાર્થીઓને બેનિફિટ ઓફ ડાઉટ એટલે કે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.