સુરત : કામરેજ ગામ સ્થિત વાસ્તુ રો હાઉસમાં રહેતા અને હોટલ ચલાવી પરિવારને આર્થિક મદદ કરતા 23 વર્ષીય શુભમ રામાણીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. આશાસ્પદ યુવાન આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં પોતાના પૂર્વ હોટલ ભાગીદાર ખોટી રીતે હેરાનગતિ અને બ્લેકમેલ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. આ યુવકની આત્મહત્યાને લઈને કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી : સુરત જિલ્લાના કામરેજ ગામમાં આવેલ વાસ્તુ રો હાઉસમાં રહેતા અને સુરત શહેરમાં ખાણીપીણીની હોટલ ચલાવતા 23 વર્ષીય યુવકે પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે યુવકને ઉલટી થતાં પરિજનો તેને સુરત સિટીની અલગ અલગ હોસ્પિટલમાં લાવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન હોટલ માલિક યુવકનું મોત નિપજ્યું હતું. જુવાનજોધ દીકરાએ આપઘાત કરી જીવન ટુંકાવતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી.
સમગ્ર બનાવને લઈને હાલ IPC કલમ 306 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક યુવકના પરિવારની ફરિયાદ મુજબ હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. -- ઓમદેવસિંહ જાડેજા (PI, કામરેજ પોલીસ)
મૃતકનો છેલ્લા શબ્દો : મૃતકે આ પગલું ભરતા પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે પોતાની આપવીતી જણાવી પૂર્વ ભાગીદારો બ્લેકમેલ કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યા હતો. કામરેજ પોલીસ મથકના PI ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે, સમગ્ર બનાવને લઈને હાલ IPC કલમ 306 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક યુવકના પરિવારની ફરિયાદ મુજબ હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી : મૃતક યુવકના પિતાએ સમગ્ર બનાવને પગલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે કામરેજ પોલીસે મૃતક યુવકના પૂર્વ ભાગીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ જુવાનજોધ દીકરાએ જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. મૃતકના પરિજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ જવાબદાર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.