ગાંધીનગર: 21મી પશુધન વસ્તી ગણતરીના અદ્યતન અને સચોટ ડેટાના આધારે આગામી પાંચ વર્ષ દરમિયાન ભારત સરકાર અને રાજ્ય સરકાર પશુપાલન ક્ષેત્રનો વિકાસ સુનિશ્ચિત કરશે. પશુધનની સંખ્યા અને વિવિધ જાતોના આધારે નવી યોજના બનાવવામાં, જૂની યોજનામાં સુધારા કરવામાં, પશુ આરોગ્ય સેવાઓનો વધારો કરવામાં, આપત્તિના સમયે પશુ ચારાની આવશ્યકતા તેમજ પશુ રસીકરણ જેવી અનેક બાબતોમાં આ ડેટા આધારસ્તંભ બનશે.
વિચરતા પશુઓનો પ્રથમવાર વસ્તી ગણતરીમાં સમાવેશ: પશુધન વસ્તી ગણતરી દેશમાં પશુઓની વિવિધ જાતોના સચોટ ડેટાનો મુખ્ય સ્ત્રોત છે. ભારતમાં વર્ષ 1919 થી દર પાંચ વર્ષે પશુધન વસ્તી ગણતરી કરવામાં આવે છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં ગત 100 વર્ષથી સતત પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીમાં સામાન્ય રીતે તમામ પાળેલા પ્રાણીઓને આવરી લેવામાં આવે છે, પરંતુ 21મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ, રખડતા પશુઓ, શ્વાન તથા પાંજરાપોળ, ગૌશાળા, સરકારી ફાર્મ અને ડેરી ફાર્મના પશુઓને પણ આવરી લેવામાં આવશે. જેમાં દેશભરની આશરે 219 જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે. દેશના આશરે એક લાખથી વધુ અધિકારી-કર્મચારીઓ આ વસ્તી ગણતરીમાં ડેટા એકત્ર કરવાના કામમાં જોડાશે.
ગુજરાતની 28 જેટલી પશુ જાતોની થશે ગણતરી: ગુજરાત રાજ્યમાં 28 જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે, જે પૈકી ગાય સંવર્ગમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી અને નારી ઓલાદ, ભેંસ સંવર્ગમાં મહેસાણી, જાફરાબાદી, બન્ની અને સુરતી ઓલાદનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પશુધનના ડેટા એકત્રિત કરવાની કામગીરીમાં ગ્રામ્ય કક્ષાએ 2700 થી વધુ અને શહેરી કક્ષાએ 1000થી વધુ ગણતરીદારો ઉપરાંત 670 જેટલા સુપરવાઇઝર જોડાશે. વસ્તી ગણતરીના ડેટાને અધિકૃત કરવા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
વસ્તી ગણતરી માટે પ્રથમવાર મોબાઈલ એપનો ઉપયોગ: 21મી પશુધન વસ્તી ગણતરી માટે દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લીકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે. આ એપ્લીકેશનના પરિક્ષણ માટે ભારત સરકારે ગુજરાત સહિત અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, ઓડીશા અને ઉત્તર પ્રદેશમાં પાઈલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા અને કાલાવડ તાલુકામાં મોબાઈલ એપ અને સોફ્ટવેરનું પરીક્ષણ હાલ પ્રગતિ હેઠળ છે. અગાઉ 20મી પશુધન વસ્તી ગણતરી દરમિયાન પ્રથમવાર ટેબ્લેટના માધ્યમથી પશુધનનો ડેટા ઓનલાઈન એકત્રિત કરવામાં આવ્યો હતો.
કેવી રીતે થશે પશુધન વસ્તી ગણતરી?: પશુધન વસ્તી ગણતરી માટે ગણતરીદારો ઘરે-ઘરે જઈને મોબાઇલથી ગામ, ઘર, પશુ અને તેના માલિકની વિગતો ઉપરાંત માલિક પાસે ઉપલબ્ધ જમીન, સાધનોની વિગતો ભરશે. આ ઉપરાંત ગણતરીદાર દ્વારા ગામ-શહેરના ગાય, કુતરા સહિતના રખડતા પશુઓની પણ માહિતી મોબાઈલના માધ્યમથી એકત્ર કરવામાં આવશે. ગણતરીદાર એકત્ર કરેલી માહિતી તેના સુપરવાઇઝરને મોકલશે. સુપરવાઇઝર (પશુ ચિકિત્સા અધિકારી) એકત્ર કરેલી માહિતીને અધિકૃત કર્યા બાદ મોબાઈલ એપના માધ્યમથી જિલ્લા નોડલ અધિકારીને મોકલી આપશે.
ભારત સરકાર દ્વારા જિલ્લા નોડલ અધિકારી અને રાજ્ય નોડલ અધિકારીને વેબ એપ્લીકેશન અને ડેશબોર્ડની સુવિધા આપવામાં આવશે, જેના માધ્યમથી નોડલ અધિકારી તમામ ગણતરીદાર દ્વારા કરાયેલી ગણતરી અને સુપરવાઇઝર દ્વારા કરાયેલી ખરાઇનું નિરીક્ષણ કરી શકશે. એકત્રિત કરેલો ડેટા આ વેબ એપ્લીકેશનના માધ્યમથી જ ભારત સરકારને મોકલી શકાશે. આ ઉપરાંત ડેશબોર્ડના માધ્યમથી તમામ જિલ્લા નોડલ અધિકારીનું નિરીક્ષણ રાજ્ય નોડલ અધિકારી કરી શકશે. દરેક રાજ્યમાંથી એકત્ર કરાયેલા ડેટાની ખરાઈ કર્યા બાદ ભારત સરકાર પશુધન વસતી ગણતરીનો ડેટા જાહેર કરવામાં આવશે.
તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ગુજરાત અને રાજસ્થાનના જિલ્લા અને રાજ્ય નોડલ અધિકારીઓ માટે એક દિવસીય પ્રાદેશિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ એક દિવસીય તાલીમ દરમિયાન નોડલ અધિકારીઓને વસ્તી ગણતરી માટેની મોબાઈલ એપ, વેબ એપ અને ડેશબોર્ડની તાલીમ આપવામાં આવી હતી.
વર્ષ 2019ની ગણતરીમાં ગુજરાતમાં નોંધાયું 268 લાખ પશુધન: 20મી પશુધન વસ્તી ગણતરી વર્ષ 2019માં હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યમાં કુલ 268 લાખથી વધુ પશુધન નોંધાયું હતું. વર્ષ 2019ની વસ્તી ગણતરીમાં કુલ 96 લાખથી વધુ ગાય નોંધાઈ હતી, જેમાં 17.50 લાખથી વધુ ગીર ગાય, 17.70 લાખથી વધુ કાંકરેજ ગાય, 63 હજાર ડાંગી ગાય, 33.80 લાખ ક્રોસ બ્રીડ ગાય અને 26.50 લાખ ગાય નોંધાઈ હતી. આ વસ્તી ગણતરીમાં રાજ્યમાં કુલ 105 લાખથી વધુ ભેંસ નોંધાઈ હતી, જેમાં 39.50 લાખથી વધુ મહેસાણી ભેંસ, 14.70 લાખથી વધુ જાફરાબાદી ભેંસ, 11.40 લાખથી વધુ સુરતી ભેંસ, 7.70 લાખથી વધુ બન્ની ભેંસ અને 31.80 લાખથી વધુ અન્ય ભેંસ નોંધાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં કુલ 17.80 લાખથી વધુ ઘેટાં અને 48.60 લાખથી વધુ બકરા નોંધાયા હતા.