સુરત : સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અધિકારીઓએ કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. જેના કારણે હવે વિપક્ષ પણ આ મુદ્દે સત્તામાં બેઠેલા પદાધિકારીઓ પર નિશાન સાધી ગંભીર આક્ષેપ કરી રહ્યું છે. સત્તાવાર આંકડા અનુસાર આંગણવાડીના 68,845 બાળકો પૈકી 1797 જેટલા બાળકો કુપોષણનો શિકાર છે.
સુરતમાં કુપોષીત બાળકો : રાજ્ય સરકાર દરેક નગરપાલિકા અને ગ્રામ પંચાયતમાં કુપોષણ સામે લડવા માટે અનેક યોજનાઓ થકી કાર્ય કરી રહી છે. તેમ છતાં સુરત શહેરમાંથી જે કુપોષણના આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ સામાન્ય સભામાં કુપોષિત બાળકોના આંકડા જાહેર કર્યા છે. બાળકોના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરનાર સુરત મનપાની આંગણવાડીમાં આવનાર 68,845 બાળકો પૈકી 1,797 બાળકો કુપોષિત છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન નેન્સીબેન શાહે જણાવ્યું હતું કે, શહેરની 1100 આંગણવાડીમાં ભણતા 68,845 વિદ્યાર્થીઓમાં 1797 જેટલા વિદ્યાર્થીઓને કુપોષિત જાહેર કરવામાં આવ્યા છે. -- નેન્સી શાહ (ચેરમેન, આરોગ્ય સમિતિ-SMC)
બાળકો પાછળ કરોડોનો ખર્ચ : બાળકોના સ્વાસ્થ્ય પાછળ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ આયોજન કરવામાં આવે છે. આંગણવાડીમાં આવનાર બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે આ માટે મનપા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે. તેમ છતાં દોઢ હજારથી પણ વધુ બાળકો સુરત શહેરમાં કુપોષણના શિકાર હોવાનું સામે આવ્યું છે.
કુપોષિત બાળકો અંગે જે પણ જાણકારી આપવામાં આવી છે તે સરકારી રેકોર્ડ ઉપર છે, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. આ અંગે તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે. -- પાયલ સાકરીયા (વિપક્ષ નેતા)
સુરત મનપાના સત્તાવાર આંકડા : સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન નેન્સીબેન શાહે જણાવ્યું હતું કે, શહેરની 1100 આંગણવાડીમાં ભણતા 68,845 વિદ્યાર્થીઓમાં 1797 જેટલા વિદ્યાર્થીઓને કુપોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ બાળકો ઉપર વિશેષ ધ્યાન રાખવા માટે આ સર્વે કરવામાં આવ્યો છે. જેથી રેડ ઝોનના બાળકો યેલો ઝોનમાં અને યેલો ઝોનના બાળકો ગ્રીન ઝોનમાં જાય, આ માટે અમે તમામ વ્યવસ્થા કરી શકીએ. કુપોષણ પાછળ ત્રણ મુખ્ય કારણ હોય છે જે દૂર કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં એક હેરીડીટી, માતામાં જાગૃતિ અને ખાનપાનની વ્યવસ્થા અંગે અમે ખાસ કાળજી લેવા જઈ રહ્યા છે.
સુરત મનપા પર વિપક્ષના વાર : કુપોષિત બાળકોના આંકડા આવ્યા પછી હવે વિપક્ષ પણ આક્રમક થયું છે. વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરતી હોય છે. આ ગ્રાન્ટ કુપોષિત બાળકો પાછળ યોગ્ય રીતે ખર્ચ કરવામાં આવે છે કે નહીં તે મોટો પ્રશ્ન છે. સુરત મહાનગરપાલિકાની ICDS અંતર્ગત આવનાર આંગણવાડીમાંથી મળેલા આંકડા છે. ગ્રાન્ડ પર મોનીટરીંગ થવી જોઈએ, થઈ શકે કે આ ભ્રષ્ટાચારના કારણે થયું હોય.