કચ્છ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલ અને રજિસ્ટ્રાર ડૉ.ઘનશ્યામ બુટાણી, નિવૃત્ત IAS અને લેખક વસંત એસ. ગઢવી, કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ.તેજલ કુમાર શેઠ પણ ભારતીય પરંપરાગત પોશાક સાથે માથા પર પરંપરાગત પાઘડી પહેરી હતી. દીક્ષાંત છાત્રો અને ઈસી મેમ્બર સહિતના તમામ મહાનુભાવો ઝભ્ભો અને કુર્તો ધારણ કરી ઝભ્ભા પર ખાસ સુતરાઉની કચ્છી સંસ્કૃતિ દર્શાવતી કોટી પહેરી હતી.
6471 વિદ્યાર્થીઓને પદવી એનાયત: કચ્છ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના 2249 વિદ્યાર્થીઓને, સાયન્સ ફેકલ્ટીના 776 વિદ્યાર્થીઓને, લૉ ફેકલ્ટીના 354 વિદ્યાર્થીઓને, એડ્યુકેશન ફેકલ્ટીના 323 વિદ્યાર્થીઓને, કોમર્સ ફેકલ્ટીના 2413 વિદ્યાર્થીઓને, મેડિસન ફેકલ્ટીના 327 વિદ્યાર્થીઓને, ડોકટર ઓફ ફિલોસોફી ફેકલ્ટીના 27 વિદ્યાર્થીઓને તથા માસ્ટર ઓફ ફિલોસોફી ફેકલ્ટીના 02 વિદ્યાર્થીઓને મળીને કુલ 6471 વિદ્યાર્થીઓને 13માં પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરવામાં આવી.
21 દીકરીઓને ગોલ્ડ મેડલ: આ વર્ષે 6471 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જે પૈકી 2478 જેટલાં છાત્રોએ રૂબરૂ હાજર રહી પદવી મેળવવાનું પસંદ કર્યું હતું. તો 3984 જેટલાં છાત્રોને પોસ્ટ મારફતે ડીગ્રીનો પ્રમાણપત્ર મોકલવામાં આવશે. આજે 25 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીની તમામ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાશાખાના મળીને 25 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જે પૈકી 21 દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
વિદ્યાર્થીઓએ છેલ્લાં અનેક વર્ષોમાં કરેલી મહેનતનું પરિણામ આજે ડિગ્રીના સ્વરૂપે મળવા જઈ રહ્યું છે. પ્રાચીન સમયમાં પદવીદાન દિક્ષાંત સમારોહ તરીકે ઓળખવામાં આવતું હતું. પ્રાચીન ભારતની વિશ્વ વિદ્યાલયો તક્ષશિલા, નાલંદા વિદ્યાપીઠની વાત કરી. સત્ય બોલવું કારણ કે સત્ય એક પ્રકાશ સમાન છે. જેને પોતાની પ્રમાણિકતા સાબિત કરવાની જરૂર નથી રહેતી માટે વિદ્યાર્થીઓને સત્ય સાથે હંમેશા જોડાયેલા રહેવાની વાત કરી હતી. ગુરુના ઉપદેશો અને શિષ્યોની ફરજો અંગે વાત કરી તેમજ કર્મયોગી બનવા માટે પણ જણાવ્યું હતું. પ્રાચીન શિક્ષણ અંગે વાત કરી.ડિગ્રી મેળવ્યા બાદ પણ જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું જોઈએ આજીવન વિદ્યાર્થી રહેવું જોઈએ. જે જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે તે સમાજને પણ આપવાનું છે. - આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો મોહન પટેલે જણાવ્યું હતું કે આજે કચ્છ યુનિવર્સિટીનો 13મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. કચ્છમાં વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરવા માટે તરસી રહ્યા છે. આજે પદવીદાન સમારોહમાં 25 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા જે પૈકી 21 જેટલા ગોલ્ડ મેડલ દીકરીઓએ પ્રાપ્ત કર્યા છે. 60 ટકાથી વધારે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. આ ઉપરાંત વિષય મુજબ રેન્ક હોલ્ડર અને PhDની ડીગ્રી મેળવનારા લોકોને પણ પ્રથમ વખત રાજ્યપાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આજના પદવીદાન સમારોહમાં અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને વિષય મુજબ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા જે પૈકી ગોલ્ડ મેડલીસ્ટ ભોવા રાધાને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે જેને પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યું છે તેના માતા પિતા ભારતની બહાર વસે છે અને દીકરીએ જ્યારે પહેલા સેમેસ્ટર માં એડમીશન લીધું ત્યારથી અત્યાર સુધી ખૂબ જ સારો દેખાવ કરીને રેન્કર તરીકે આગળ આવી છે આને આજે તેને ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. - ડો. કલ્પના સતીજા, હેડ, અર્થશાસ્ત્ર વિભાગ, કચ્છ યુનિવર્સિટી
ગોલ્ડ મેડલ મેળવનાર ભોવા રાધાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે મને ગોલ્ડ મેડલ મળ્યો છે જેનો મને ખૂબ આનંદ છે અને આજે બધાના જીવનમાં સંઘર્ષ તો હોય જ છે ત્યારે મારું સંઘર્ષ અલગ રહ્યું છે કે મારા માતા પિતા ભારત બહાર વસે છે ત્યારે મારી જવાબદારી હોય ઘરની જવાબદારી હોય, હું ટ્યુશન પણ કરાવું છું અને દાદીની જવાબદારી પણ મારી પર હોય છે અને આ વચ્ચે મહેનત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.