સુરત: ઈચ્છાપોર હળપતિ વાસમાં રહેતા 13 વર્ષીય સતિષ સગીરના માતા- પિતા ગુજરી ગયા હતા. સગીરે તેના 18 વર્ષીય મોટાભાઈ સાથે રહેતો હતો. નાનપણમાં જ માતા-પિતાનુ અવસાન થતા બંને ભાઈઓને માતા-પિતાની હૂંફ મળી ન હતી. જેથી પુખ્ત વય થાય તે પહેલા જ સગીર તરૂણાવસ્થામાં ખરાબ રવાડે ચડ્યો હતો અને તેને બીડી પીવાની આદત પડી હતી. દરમિયાન સગીરના ખિસ્સામાંથી બીડી નીકળી હતી અને આ વાત મોટાભાઈને ખબર પડી હતી.
મોટાભાઈએ બીડી પીવાની તારી આ ઉમર નથી તેમ કહી સતિષને ઠપકો આપ્યો હતો. સતિષે આ વાતનુ માઠું લગાડી ઈચ્છાપોર ખાતે આવેલી ખાડી કિનારે ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોટાભાઈએ તેને કીધું હતું કે તારી આ ઉંમર બીડી પીવાની નથી. આ સાંભળીને સગીરે કહ્યું હતું કે તમે બધા મને બધી બાબતોમાં રોક્યા નહીં કરો. મારી મરજી હશે તે હું કરીશ. એટલું કહી તે રાત્રે ઘરે નહીં આવતા બીજા દિવસે ભાઈ અને અન્ય પરિવારના સભ્યો તેની શોધ કોટ કરી હતી પરંતુ ઝાડ સાથે ફાંસો ખાધી હાલતમાં સતીશ નું મૃતદેહ મળી આવ્યો હતો.
મોટાભાઈએ તેને ઠપકો આપ્યો હતો
આ સમગ્ર મામલે ઈચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.સી.ગોહિલે જણાવ્યું હતું કે, સગીર રાત સુધી ઘરે આવ્યો નહોતો જેથી તેની શોધખોળ પરિવાર દ્વારા કરવામાં આવી રહી હતી. સવારે ઘર નજીક ખાડી કિનારે તેણે ઝાડ સાથે દોરી બાંધીને ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પરિવારની પૂછપરછ પણ કરવામાં આવી છે પરિવાર એ જણાવ્યું હતું કે તેના મોટાભાઈએ નાની ઉંમરમાં વ્યસન ન કરવાનું કીધું હતું. બીડી પીવા બાબતે મોટાભાઈએ તેને ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સામાં આવી તેને આપઘાત કરી લેવાનું વિચાર્યું હતું. જો કે હજુ પણ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.