ખેડા: ખેડા જીલ્લામાં સતત ત્રણ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે સમગ્ર જીલ્લામાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. નદી, નાળા અને તળાવો છલકાવા સાથે મુખ્ય મથક નડિયાદ સહિતના શહેરો, ગામો અને ખેતરો પણ જળબંબોળ બન્યા હતા. ચો તરફ પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. પુરની પરિસ્થિતિમાં સતર્કતા દાખવી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી સ્થળાંતર તેમજ રેસ્ક્યુ કરાયા હતા. જેને લઈ જાનહાનિ ટાળી શકાઈ હતી. જિલ્લામાં હાલ મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે. રસ્તાઓ ખુલ્લા થઈ રહ્યા છે. તેમજ જનજીવન થાળે પડી રહ્યુ છે.
મહીસા ગામે તળાવ છલકાતા ચોતરફ પાણી: ભારે વરસાદને કારણે અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે મહુધા તાલુકાના મહીસા ગામે ડેમચા તળાવ ઓવરફ્લો થયુ હતું. સીમ વિસ્તારમાં આવેલું તળાવ ઓવરફ્લો થતાં ચોતરફ પાણી વચ્ચે લોકો અને પશુઓ ફસાયા હતા. ઘરો તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને કારણે ભારે નુકશાન થવા પામ્યું છે. એસડીઆરએફ ટીમ અને મહુધા પોલિસ દ્વારા પાણીમાં ફસાયેલા 18 બાળકો, 10 પુરુષ અને 14 મહિલાઓ મળી કુલ 42 માણસો તથા 125 જેટલા અબોલ પશુઓને સલામત સ્થળે ખસેડાયા હતા. ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ તમામને સહી સલામત બહાર કાઢી મહીસા ગામે પટેલ વાડીમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
હાલ પણ ચોતરફ પાણી ભરેલા છે પરંતુ પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. જેને લઈ આ અસરગ્રસ્ત પરિવારો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. અણીના સમયે તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી કરતા અસરગ્રસ્તો તેનો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. સર્જાયેલી પુરની પરિસ્થિતિ વિશે અસરગ્રસ્તોએ ઈટીવી ભારત સાથે વાત કરી હતી.
પાણી ઘરો અને ખેતરોમાં ફરી વળ્યા: ત્યાના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે તળાવની પાસે અમારૂ રહેઠાણ છે. તળાવ ઓવરફ્લો થતા પાણી અમારા ઘરો અને ખેતરોમાં ફરી વળ્યા હતા. છ વીઘામાં કરેલુ વાવેતર ધોવાઈ ગયુ છે. પાણીનો ફ્લો વધતા સરપંચને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે એસડીઆરએફને જાણ કરતા તેઓ ઝડપથી આવ્યા અને બોટ દ્વારા લોકોનું રેસ્કયુ કર્યુ. લોકોને બસ મારફતે મહીસા ગામમાં ખસેડ્યા હતા. પુરના કારણે અમારે ખાસ્સુ નુકશાન થયું છે. હાલ પણ પાણી ભરેલા છે.
જીલ્લામાં 531 વ્યક્તિઓનું રેસ્કયુ કરાયુ: પુરગ્રસ્ત પરિસ્થિતિમાં એસડીઆરએફ અને પોલીસ તંત્રએ મળી જિલ્લામાં કુલ 531 વ્યક્તિઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. તેમજ જીલ્લામાં કુલ 3667 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત કપરી પરિસ્થિતિમાં અટવાયેલા લોકોને તંત્ર દ્વારા રસ્તા પસાર કરાવાયા હતા. તેમજ સલામત રીતે હોસ્પિટલ અને ઘરે પહોંચાડાયા હતા.
નુકશાનનના સર્વેની કામગીરી હાથ ધરાઈ: ડીઝાસ્ટર મામલતદાર સુરેન્દ્ર નિનામાએ જણાવ્યુ હતું કે જીલ્લામાં ભારે વરસાદ અને પુરની પરિસ્થિતિને કારણે થયેલા નુકશાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાચા મકાનોને વધુ નુકશાન થયું છે. તાલુકા કક્ષાએથી સર્વે કામગીરી પુર્ણ થયા બાદ નુકશાનનો સમગ્ર અહેવાલ તૈયાર થઈ શકશે.
અસરગ્રસ્તોને મદદરૂપ બનવા તંત્ર સજાગ: મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ ઈટીવી ભારત સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે વિસ્તારમાં પુરની પરિસ્થિતિને લઈ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને પડતી મુશ્કેલી બાબતે સ્થિતિ અંગે જાત માહિતિ મેળવી અસરગ્રસ્તોને મદદરૂપ બનવા સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી જરૂરી કામગીરી કરી હતી. સાથે જ અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.