નડીયાદ: શ્રીકૃષ્ણ સોસાયટીમાં રહેતા નિતિનભાઈ રાવળ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને એક દિકરી અને બે દિકરા છે. જેમાં સૌથી નાનો પુત્ર ધ્રુવ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરિક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવીને જીલ્લામાં ટોપર બન્યો છે. જેને લઈ તેના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેના માતાપિતાએ મો મીઠું કરાવી પુત્રની સફળતાને હરખથી વધાવી લીધી છે.
ટ્યુશન વિના મહેનતથી મેળવી સિદ્ધિ: ધ્રુવ રાવળે નડીયાદની વિઝન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેણે આજે આવેલા બોર્ડ પરિણામમાં ધોરણ 12 સાયન્સમાં 99.48 પર્સેન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. ગુજકેટમાં 99.90 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેણે કોઈ ટ્યુશન વિના સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શનથી અભ્યાસ કરી સફળતા મેળવી છે.
માતાપિતા સફળતાના પ્રેરણા સ્ત્રોત: ધ્રુવે જણાવ્યુ હતું કે, મારા માતાપિતા મારી સફળતાના પ્રેરણા સ્ત્રોત છે. મારા પિતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળપણથી મારા માતાપિતાને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું. જેને લઈ મને અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરવાની સતત પ્રેરણા મળતી રહી છે. ધ્રુવે SSC બોર્ડમાં 99.88 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. હવે HSCમાં 99.48 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
શિક્ષકોનું સતત માર્ગદર્શન મળ્યું: આ સિદ્ધિ મારી શાળાની પણ છે. મને મારી વિઝન સ્કૂલના શિક્ષકોનું સતત માર્ગદર્શન મળ્યું છે. ટ્યુશન ન હોવાથી મે સ્કૂલના શિક્ષકોને જ ફોલો કર્યા છે. હવે હું આગળ બીટેક કરવા ઇચ્છું છુ એમ ધ્રુવે જણાવ્યુ હતું. વધુમાં નિષ્ફળ વિદ્યાર્થીઓને સંદેશ આપતા તેણે જણાવ્યુ હતું કે, જીવનમાં નિષ્ફળતા આવે તો નાસીપાસ થવાનું નહી. અમારી આર્થિક સ્થિતિને લઈ મારા જીવનમાં પણ અભ્યાસ માટે મે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે.