ગીર સોમનાથઃ દિવાળી બાદ ગીરના પ્રખ્યાત ગોળના રાબડા ધમધમતા જોવા મળશે શેરડી પકવતા ખેડૂતો અને શેરડી માંથી ગોળ બનાવતા રાબડા માલિકો વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતો પાસેથી શેરડી ખરીદવાના ભાવ નક્કી કરાયા છે. શેરડી પકવતા ખેડૂતો અને ગોળનું ઉત્પાદન કરતા રાબડા માલિકો માટે આવનારું નવું વર્ષ ગોળના ઉત્પાદન માટે સારું જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
ખેડૂતો અને ગોળના રાબડા માલિકો વચ્ચે યોજાઈ બેઠક
આ વર્ષે ચોમાસામાં ખૂબ સારો વરસાદ થયો છે જેને પગલે ચોમાસું પાકોનું ઉત્પાદન અને ઉતારો ખૂબ સારો આવવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે. ગીરના સ્થાનિક શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો અને શેરડી માંથી ગોળ બનાવતા રાબડા માલિકો વચ્ચે એક બેઠકનું આયોજન થયું હતું. જેમાં ગીર પંથકમાં શેરડીનું વાવેતર કરતાં ખેડૂતો અને આજ વિસ્તાર માં શેરડી માંથી ગોળ બનાવતા રાબડા માલિકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી ગોળની નવી સિઝન દિવાળી બાદ લાભ પાંચમથી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. વધુમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 જેટલા વધારે રાબડાઓ સામેલ થઈને આ વખતે 250 કરતાં વધુ દેશી ગોળ બનાવતા રાબડા શિયાળાની સિઝનમાં ગીર વિસ્તારમાં ધમધમતા જોવા મળશે.
ખેડૂતોને શેરડીના મળશે સારા ભાવ
ખેડૂતો અને રાબડા માલિકો વચ્ચે થયેલી બેઠકમાં સર્વાનુમતે એ નક્કી કરવામાં આવ્યું કે, આ વખતે દિવાળી બાદ શરૂ થતી બોર્ડની નવી સિઝનમાં અંદાજિત ચારથી પાંચ લાખ ટન શેરડી અને તેમાંથી ગોળના ઉત્પાદનની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગત વર્ષે રુપિયા 2,000 થી 1 ટન શેરડી ખરીદવાની શરૂઆત થઈ હતી. જેમાં આ વર્ષે 500 નો વધારો કરીને નવેમ્બરથી લઈને એપ્રિલ સુધીના છ મહિના દરમિયાન સરેરાશ 700 રુપિયા પ્રતિ એક ટન શેરડીનો ભાવ વધારો અત્યારથી જ નક્કી કરી દેવામાં આવ્યો છે. તે મુજબ પ્રતિ એક ટન શેરડીના નવેમ્બર મહિનામાં 2500 ડિસેમ્બર મહિનામાં 2600 જાન્યુઆરી મહિનામાં 2800 ફેબ્રુઆરી મહિનામાં 2900 માર્ચ મહિનામાં 3000 અને એપ્રિલ મહિનામાં પ્રતિ એક ટન શેરડીના રાબડા માલિકોએ શેરડી ઉત્પાદન કરતા ખેડૂતને 3200 રૂપિયા ચૂકવવા પડશે, તેવું ભાવ બાંધણું શેરડી પકવતા ખેડૂતો અને રાબડા માલિકોની સંયુક્ત બેઠકમાં કરવામાં આવ્યું છે.
ગોળની ગુણવત્તા પર ખાસ ધ્યાન
ભારતમાં મુખ્યત્વે ગોળનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ત્યારબાદ ગીરમાં ગોળનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગોળના બજાર ભાવ ભારતની સ્થાનિક બજારો પર વધઘટ થતા રહે છે. તેમ છતાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ગોળની સરખામણીએ ગીર પંથકમાં ઉત્પાદિત થતી શેરડીમાંથી બનતો ગોળ બજારભાવની દ્રષ્ટિએ બેથી ત્રણ રૂપિયા ઊંચા બજાર ભાવે વેચાય છે. તેમ છતાં ગત વર્ષે શેરડી પકવતા ખેડૂતો અને રાબડા માલિકોને બજાર અચાનક મંદીના વમળમાં અટવાતા શેરડી પકવતા ખેડૂતો અને તેમાંથી ગોળ બનાવતા રાબડા માલિકોને મોટી નુકસાની થઈ હતી, પરંતુ આ વર્ષે સારો વરસાદ પડ્યો છે જેને કારણે શેરડીનું ઉત્પાદન અને તેમાંથી ગોળનું પ્રમાણ સૌથી વધુ રહેવાની સાથે ગુણવત્તા સભર ગોળ બનશે તેવો આશાવાદ પણ રાબડાના સંચાલકોએ વ્યક્ત કર્યો છે.