ભાવનગર : અમરેલીના પીપાવાવ પોર્ટની આસપાસ સિંહોનો વસવાટ છે. હાઇવે પર અને રેલવે ટ્રેક પર સિંહો હંમેશા જોવા મળ્યા છે. પીપાવાવ પોર્ટ પર આવતી માલગાડીના ડ્રાઈવરોને વારંવાર સિંહોને બચાવવા માર્ગદર્શન આપવામાં આવે છે. હાલમાં જ રેલવેના એક લોકો પાયલોટે સુજબુજથી 10 સિંહોને બચાવ્યા છે.
ટ્રેક પર આરામ કરતા સિંહ : ભાવનગર ડિવિઝનના સીનીયર DCM માશૂક અહમદના જણાવ્યા અનુસાર 17 જૂન, 2024 સોમવારના રોજ સવારે લોકો પાયલટ મુકેશકુમાર મીના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડી સંખ્યા LLU/PPSP, લોકો નંબર 24690 ને જ્યારે લઈ જઈ રહ્યા હતા. ત્યારે સિંહોને ટ્રેક પર બેઠેલા જોઈને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી હતી.
10 સિંહનું ટોળું : થોડીવાર રાહ જોયા પછી લોકો પાયલોટે જોયું કે બધા સિંહ ધીમે ધીમે ટ્રેક પરથી ખસી ગયા છે. ત્યારે સિંહોની કુલ સંખ્યા 10 હતી. સિંહોને ટ્રેક પરથી ખસી ગયા પછી લોકો પાયલોટ દ્વારા ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી.
સિંહ સંરક્ષણ માટે ખાસ ટ્રેનિંગ : પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહ સહિતના વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ ટ્રેનનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. પીપાવાવ પોર્ટ આસપાસ હાઇવે અને ટ્રેક ઉપર સિંહો વારંવાર જોવા મળે છે. નજીકમાં દરિયો હોવાના કારણે ઠંડક વાતાવરણ વચ્ચે સિંહોનો મોટો પરિવાર વસે છે.
પાયલોટના કાર્યને વધાવ્યું : માલગાડીના લોકો પાયલોટે સિંહોના બનાવ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી. માહિતી મળતા જ લોકો પાયલોટ મુકેશકુમાર મીણાની પ્રશંસનીય કાર્યની ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.