નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024 માટે શનિવારે રવાના થયેલી ભારતીય ટીમની પ્રથમ બેચ ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. BCCIએ એક વીડિયો શેર કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે ભારતીય ખેલાડીઓ ન્યૂયોર્ક પહોંચી ગયા છે. વીડિયો શેર કરતા BCCIએ લખ્યું, 'ટચડાઉન ન્યૂયોર્ક, ભારતીય ટીમ વર્લ્ડ કપ માટે પહોંચી ગઈ છે. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તમામ ખેલાડીઓ એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.
BCCIનો ખેલાડીઓને 2 બેચમાં મોકલવાનો નિર્ણય: હાલમાં ટી-20 વર્લ્ડ કપ માટે અમુક જ ખેલાડીઓ યુએસએ પહોંચ્યા છે. બીજી બેચ આજે 27મી મેના રોજ રવાના થવાની ધારણા છે. IPL 2024ની ફાઈનલને કારણે, BCCIએ ખેલાડીઓને 2 બેચમાં મોકલવાનો નિર્ણય લીધો હતો, જ્યાં 25મીએ પ્રથમ બેચ રવાના થઈ હતી જેમાં યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
કોહલી 30 મેના રોજ રવાના થાય તેવી શક્યતા: IPL બાદ હાર્દિક પંડ્યા રજાઓ ગાળવા લંડન ગયો હતો. crickbuzzના અહેવાલ મુજબ તે આજે ભારતીય ટીમ સાથે પણ જોડાઈ શકે છે અને ન્યૂયોર્ક જવા રવાના થઈ ગયો છે. તે જ સમયે, વિરાટ કોહલી બીજી બેચ સાથે ન્યૂયોર્ક નહીં જાય. તે 30 મેના રોજ અહીંથી રવાના થાય તેવી શક્યતા છે. તેણે પોતે બીસીસીઆઈને વિનંતી કરી હતી કે, તે આઈપીએલ પછી થોડો બ્રેક આપે. આ કારણે તે 1 જૂને અફઘાનિસ્તાન સામેની પ્રેક્ટિસ મેચમાં પણ રમી શકશે નહીં.
ભારત 9મી જૂને પાકિસ્તાન સાથે રમશે: ભારત તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સાથે રમશે. જે બાદ બીજી શાનદાર મેચ 9મી જૂને પાકિસ્તાન સાથે રમાશે. તમામ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.