નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સુપર-8 મેચ ગ્રુપ Bની બે ટીમો વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝે શાનદાર બેટિંગ કરીને 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 2.3 ઓવર બાકી રહેતા આ સ્કોર સરળતાથી હાંસલ કરી લીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝના લગભગ તમામ બેટ્સમેનોએ મેચના સ્કોરમાં યોગદાન આપ્યું હતું. બ્રેન્ડન કિંગ 13 બોલમાં 23 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. આ સિવાય જોન્સન ચાર્લ્સે 38 રન, નિકોલસ પૂરન અને કેપ્ટન રોમન પોવેલે 36 રન, આન્દ્રે રસેલે 1 રન અને રધરફોર્ડે 15 બોલમાં 28 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, મોઈન અલી અને લિયામ લિવિંગસ્ટોને એક-એક વિકેટ મળી હતી.
વેસ્ટ ઈન્ડિઝના 181 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે શાનદાર શરૂઆત કરી હતી. ઈંગ્લેન્ડે તેની પ્રથમ વિકેટ 67ના સ્કોર પર ગુમાવી હતી જ્યારે જોસ બટલર 22 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ બેટિંગ કરવા આવેલા મોઈન અલી પણ લાંબો સમય ટકી શક્યો ન હતો અને 10 બોલમાં 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બે વિકેટ પડ્યા બાદ જોની બેરસ્ટો અને ફિલ સોલ્ટે જવાબદારી લીધી અને શાનદાર ભાગીદારી કરી અને ટીમે 2.3 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી.
ફિલ સોલ્ટે 185ના સ્ટ્રાઈક રેટથી 47 બોલમાં 87 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન સોલ્ટે 5 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. જોની બેયરસ્ટોએ 26 બોલમાં 48 રન બનાવ્યા જેમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. ઈન્ડિઝ તરફથી આન્દ્રે રસેલ અને રોસ્ટન ચેઝે એક-એક વિકેટ લીધી હતી. હાલમાં ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ રન રેટના આધારે ટોપ પર છે જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે.