કચ્છ: પિતા-પુત્રની જોડી હોય તો આવી એવું આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ, પરંતુ આ પિતા પુત્રએ તો આ વાક્યને યથાર્થ કર્યું છે. આ જોડીએ સાથે મળીને કચ્છ તેમજ સાગર ગુજરત નું નામ રોશન કર્યું છે.
આ વ્યક્તિઓ અન્ય કોઈ નહીં પરંતુ કચ્છનો કિશોર વત્સલ મહેશ્વરી અને તેના પિતા નિખિલ મહેશ્વરી છે. આ જોડીએ આતરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી ભારત અને ગુજરાતનું નામ ગર્વથી ઊંચું કરી દીધું છે. ચાલો જાણીએ આ પિતા-પુત્રની જોડીની સફળ વાર્તા...
3 ગોલ્ડ મેડલ જીત્યા: ભુજના 20 વર્ષીય કિશોર વત્સલ મહેશ્વરીએ રશિયા ખાતે યોજાયેલ જુનિયર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે અને ભારતનો ડંકો વગાડ્યો છે સાથે સાથે કચ્છનું નામ પણ રોશન કર્યું છે. વત્સલે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં સૌથી વધુ પાવર લીફ્ટ ઉપાડવા બદલ, પાવર લીફટીંગની ડેડ લીફ્ટમાં અને સ્કવોટમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે.
20 વર્ષીય વત્સલે 3 ગોલ્ડ મેડલ જીત્યા: વત્સલ મહેશ્વરી યુવાવયથી જ ભારત માટે પાવર લીફટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. વત્સલે આ અગાઉ કઝાકિસ્તાન ખાતેની સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તો હાલમાં રશિયા ખાતે યોજાયેલ ચેમ્પિયનશિપમાં પણ તેણે 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ અગાઉ વત્સલ પાવર લીફટીંગમાં ત્રણ વખતનો રાષ્ટ્રીય ચેમ્પીયન બની ચૂક્યો છે. તો એક વખત એશિયન ડેલીફ્ટનો ગોલ્ડ મેડાલિસ્ટ થઈ ચૂક્યો છે. ઉપરાંત છ વખત સ્ટેટ ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂક્યો છે.
ફૂલ પાવરમાં 540 કિલો વજન ઊંચક્યું: વત્સલ મહેશ્વરી હાલમાં ભુજની ચાણક્ય ફીસીઓથેરાપી કોલેજમાં અભ્યાસ કરે છે. રશિયા ખાતેની જુનિયર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વત્સલે 82.5 કિલોની કેટેગરીમાં પોતાના 76.8 કિલો વજન સાથે ડેડ લીફ્ટમાં 230 કિલો વજન ઉપાડયું હતું. જ્યારે ફૂલ પાવરમાં 540 કિલો વજન ઊંચક્યું હતું તો બીજી બાજુ સ્કવોટમાં 205 કિલો વજન ઉપાડ્યું હતું. ત્રણેય સ્પર્ધામાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
ભારત પ્રથમ, ઈરાન બીજા અને રશિયા ત્રીજા ક્રમે: રશિયા ખાતે યોજાયેલ આ જુનિયર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ ક્રમાંક ભારત દેશે પ્રાપ્ત કર્યો છે, બીજો ક્રમાંક ઈરાને તો ત્રીજો ક્રમાંક રશિયાએ મેળવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં 82.5 કિલોની કેટેગરીમાં 8 પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો. જ્યારે આ ચેમ્પિયનશિપમાં ભારતમાંથી કુલ 10 સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો, જેમાં ગુજરાતમાંથી માત્ર 2 લોકો પસંદગી થઈ હતી. અને આ વ્યક્તિઓ અન્ય કોઈ નહીં પરંતુ કચ્છના ભુજના પિતા-પુત્રની જોડી વત્સલ મહેશ્વરી અને તેના પિતા નિખિલ મહેશ્વરી છે.
વત્સલના પિતા નિખિલ મહેશ્વરીએ પણ જીત્યા મેડલ: માત્ર વત્સલે જ નહીં પરંતુ તેના પિતા નિખિલ મહેશ્વરીએ પણ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને કચ્છનું નામ રોશન કર્યું છે. નિખિલ મહેશ્વરીએ 100 કિલોની કેટેગરીમાં 92.3 કિલોના વજન સાથે કુલ 3 મેડલ મેળવ્યા હતા. જેમાં સંપૂર્ણ વિશ્વમાંથી 5 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિખિલ મહેશ્વરીએ ફૂલ પાવર લિફ્ટિંગમાં 495 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો, તો પુશ એન્ડ પુલ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આમ પિતા-પુત્રની જોડીએ વિશ્વ સ્તરે મેડલ જીતીને કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.
આ પણ વાંચો: