નવી દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ત્રણ મેચ માટે ટીમ ઈન્ડિયાની સ્કોર્ડની જાહેરાત કરવામાં આવી છે. બીજી ટેસ્ટમાંથી બહાર રહેલા રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ટીમમાં વાપસી થઈ છે. બંને ખેલાડીઓને ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું. તેમની જગ્યાએ સરફરાઝ ખાન અને વોશિંટન સુંદરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, બંને ખેલાડીઓને પ્લેઈંગ 11 માં જગ્યા મળી ન હતી.
ભારતીય ટીમમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ ખેલાડીઓના રમવા પર શંકા છે. BCCI એ માહિતી આપતા કહ્યું છે કે આ ખેલાડીઓનું રમવું BCCI ની મેડિકલ ટીમની મંજૂરી પર નિર્ભર છે. જો BCCI ની મેડિકલ ટીમ તેમને રમવાની પરવાનગી આપશે તો તેઓ ત્રીજી ટેસ્ટમાં રમી શકશે. નહિંતર તેના માટે પ્લેઇંગ 11 માં રમવું મુશ્કેલ બનશે.
હૈદરાબાદ ટેસ્ટ મેચ બાદ રવિન્દ્ર જાડેજા સ્વસ્થ થવા માટે એનસીએ ગયો હતો. ત્યાં તેણે પુનરાગમન માટે સખત મહેનત કરી અને તબીબી ટીમની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. જો આ ભારતીય ખેલાડી ત્રીજી ટેસ્ટમાં પણ ફિટ નહીં થાય તો તે ભારત માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. રવિન્દ્ર જાડેજાએ હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 87 રનની ઇનિંગ રમી હતી. ઉપરાંત તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરીને 5 વિકેટ લીધી હતી.
કેએલ રાહુલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ દાવમાં 86 રન બનાવ્યા હતા. જોકે સદીની નજીક આવ્યા બાદ પણ ચૂકી ગયો હતો. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ કેએલ રાહુલે ભારતની મુશ્કેલ પરિસ્થિતિઓમાં 107 રનની સદીની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે તેને વિકેટકીપર તરીકે નહીં પરંતુ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.