નવી દિલ્હી: IPL 2024માં શુક્રવારે સિઝનની 59મી મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે ચેન્નાઈને 35 રને હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતની પ્લેઓફમાં રહેવાની આશા અકબંધ છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેની બાકીની બે મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈ 196 રન જ બનાવી શકી હતી.
ગિલ અને સુદર્શનની ઓપનિંગ જોડીએ સદી ફટકારી: ચેન્નાઈ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાતની પ્રથમ વિકેટ 210ના સ્કોર પર પડી હતી. ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને સાઈ સુદર્શને સદીની ઇનિંગ્સ રમી હતી. ગિલે 55 બોલમાં 104 રન બનાવ્યા જેમાં 6 છગ્ગા અને 9 ચોગ્ગા સામેલ હતા. આ સિવાય સાઈ સુદર્શને 51 બોલમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા. શુભમન ગિલને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
મેદાનમાં પહોચ્યો ધોનીનો ફેન: ગુજરાત અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં પણ સુરક્ષાનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આ મેચમાં ધોની જેવી જ બેટિંગ કરવા આવ્યો કે માહીનો એક ફેન સિક્યુરિટી ઓળંગીને મેદાનની વચ્ચે ધોની પાસે પહોંચ્યો અને તેને ગળે લગાડ્યો અને મેદાનમાં તેની સામે માથું નમાવી દીધું. વીડિયોમાં જોઈ શકાય છે કે ફેન્સ ધોનીથી અલગ થવા માંગતા ન હતા. જે બાદ સુરક્ષાકર્મીઓ આવ્યા અને તેને મેદાનની બહાર લઈ ગયા. જોકે, ધોનીએ સુરક્ષાકર્મીઓને ચાહકો સાથે સહજતાથી વર્તવાનું કહ્યું હતું.
ધોનીએ ફટકાર્યો હેલિકોપ્ટર શોટ: આ મેચમાં બેટિંગ કરવા આવેલા ધોનીએ 26 રનની ઈનિંગ રમી જેમાં 3 સિક્સ સામેલ હતી. ધોનીએ આ મેચમાં હેલિકોપ્ટર શોટ મારીને ફેન્સનું મનોરંજન કર્યું હતું. આ સિવાય ધોનીએ એક હાથે 2 સિક્સર ફટકારી હતી. ધોનીની આ ઇનિંગે ચાહકોમાં જુસ્સો જગાવ્યો હતો. જોકે તે મેચ જીતવામાં સફળ રહ્યો ન હતો. અને ચેન્નાઈ આ મેચ 35 રને હારી ગઈ હતી.