નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત પહેલા સૌથી ચોંકાવનારા સમાચાર હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં ઘરવાપસીના હતા. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કરીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. IPL 2024 પહેલા મુંબઈએ હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે નિમણૂક કરી હતી. મુંબઈનો હાર્દિક પ્રત્યેનો પ્રેમ ખૂબ છે. જેનો અંદાજ રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવાયો તેના પરથી લગાવી શકાય છે. રોહિત શર્માએ મુંબઈને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી હતી.
હાર્દિકનું નિવેદનઃ IPL 2024ની શરૂઆત પહેલા હાર્દિકે હવે મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવા પર મોટું નિવેદન આપ્યું છે. MIએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પંડ્યાનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની બ્લુ જર્સીમાં પરત ફરવાની વાત કહી રહ્યો છે. પંડ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિકનો વીડિયો વાયરલઃ આ વીડિયોમાં હાર્દિક પંડ્યા કહી રહ્યો છે કે, મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરવાની લાગણી મારા માટે ખૂબ જ ખાસ છે. હું ઘરે પાછો આવી ગયો છું. ઉલ્લેખનીય છે કે હાર્દિકે 22વર્ષની ઉંમરે વર્ષ 2013માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ ડેબ્યૂ કર્યુ હતું. ત્યારબાદ 2021સુધી તે મુંબઈનો ભાગ રહ્યો. IPL 2022 અગાઉ મુંબઈએ તેને છોડી દીધો હતો. જે બાદ તે 2 વર્ષ સુધી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે IPLનો ભાગ રહ્યો.
મુંબઈ ઈન્ડિયન્સ શાનદાર પ્રદર્શન કરશેઃ આ વીડિયો મેસેજ દ્વારા પંડ્યા આઈપીએલની આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના વધુ સારા પ્રદર્શનને લઈને આત્મવિશ્વાસુ જણાય છે. તેણે કહ્યું કે, અમે એક એવું ક્રિકેટ રમીશું જેના પર દરેકને ગર્વ થશે અને તે એક એવી સફર હશે જેને કોઈ ભૂલી શકશે નહીં. હાર્દિકે આ વીડિયોમાં કોચ લસિથ મલિંગા અને માર્ક બુચરની પણ પ્રશંસા કરી છે.
પંડ્યાની આઈપીએલ કારકિર્દીઃ હાર્દિક પંડ્યાની આઈપીએલ કારકિર્દી ખૂબ જ શાનદાર રહી છે. પંડ્યાએ 123 IPL મેચોમાં 30.38ની એવરેજ અને 145.46ની સ્ટ્રાઈક રેટ સાથે કુલ 2,309 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે એટલી જ મેચોમાં 53 વિકેટ ઝડપી છે. 17 રનમાં 3 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.