નવી દિલ્હી: ભારતીય હોકી ટીમના અનુભવી ગોલકીપર અને પૂર્વ કેપ્ટન પીઆર શ્રીજશે સોમવારે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે પેરિસ ઓલિમ્પિક 2024 તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતા હશે. તેની કારકિર્દીમાં, પીઆર શ્રીજેશે 328 આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા જેમાં ત્રણ ઓલિમ્પિક્સ, ઘણી કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ કપ અને ઘણી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે, જેમાં તેણે ભારતીય ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું.
શ્રીજેશે કહ્યું કે, તે આગામી પેરિસ ઓલિમ્પિક બાદ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લેશે. શ્રીજેશે 2006 સાઉથ એશિયન ગેમ્સ દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી હોકી ટીમનો સભ્ય હતો. 41 વર્ષ બાદ ટોક્યો 2020માં મેડલના દુષ્કાળને ખતમ કરનાર ભારતીય પુરૂષ હોકી ટીમની નજર હવે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પર છે, જેમાં શ્રીજેશ મહત્વનો ખેલાડી છે.
આ પ્રસંગે શ્રીજેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા તેના પરિવાર, સાથી ખેલાડીઓ, કોચ, પ્રશંસકો અને હોકી ઈન્ડિયાનો આભાર માન્યો હતો. તેણે ટોક્યો 2020માં જીતેલા મેડલને એક સ્વપ્ન સાકાર ગણાવ્યું અને કહ્યું કે તેની નિવૃત્તિ એક અધ્યાયનો અંત અને નવા સાહસની શરૂઆત છે.
શ્રીજેશ 2022 એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા ટીમનો સભ્ય પણ રહ્યો છે, તેણે ચાર વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી છે અને 2015 માં FIH હોકી વર્લ્ડ લીગ ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમને 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.