કચ્છ: અંડર 19 ની ભારતીય ટીમમાં લગભગ બે દાયકા બાદ કચ્છી ક્રિકેટરની પસંદગી થતાં આ જિલ્લાના રમત ક્ષેત્રે મહત્વની બાબત કહી શકાય.કચ્છના યુવાનો પણ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે અને ભારતની ટીમમાં સ્થાન પામે તેવા હેતુ સાથે પૂર્વ કચ્છમાં ક્રિકેટ કોચિંગનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.
હરવંશસિંઘનો પરિવાર 2017થી કેનેડામાં
હરવંશસિંઘનો જન્મ 3 નવેમ્બર, 2006 ના રોજ ગાંધીધામ ખાતે થયો હતો. તેના પિતાનું નામ દમનદીપસિંઘ છે. તેઓ ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા અને વર્ષ 2017માં તેઓ કેનેડા રહેવા ગયા હતા અને હાલમાં તેઓ કેનેડામાં ટ્રક ડ્રાઈવર છે. હરવંશસિંઘના પરિવારમાં તેના માતા પિતા અને એક બહેન છે. હાલમાં તે ગાંધીધામની દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે.
અઢી વર્ષનો હતો ત્યારથી તે ક્રિકેટ રમતો:
હાલમાં કેનેડાથી ETV ભારત સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન હરવંશસિંઘના પિતા દમનદીપસિંઘે માહિતી આપતા જણાવ્યું હતું કે, હરવંશસિંઘ અઢી વર્ષનો હતો ત્યારથી તે ઘરે ક્રિકેટ રમતો હતો અને જ્યારે તે 6 વર્ષનો થયો ત્યારથી તેણે પ્રોફેશનલ કોચિંગ શરૂ કરી હતી અને એક પણ દિવસ રજા રાખ્યા વગર તે નિયમિત રીતે ક્રિકેટ પ્રેક્ટિસ કરતો હત્તો. તેનો ફેવરિટ ક્રિકેટર અને આદર્શ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ છે.
મેન્ટર નકુલ અયાચીનો મહત્વનો ફાળો:
હરવંશસિંઘે કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિયેશન સાથે રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે રોયલ ક્રિકેટ એકેડમીમાં કોચ લાલ સરના માર્ગદર્શન હેઠળ કોચિંગ મેળવીને પ્રેક્ટિસ કરી હતી, અને તે અંડર 14 માટે પસંદ પામ્યો હતો જેમાં તેને ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ તેના મેન્ટર નકુલ અયાચીની નીલકંઠ ક્રિકેટ એકેડેમી માટે રમવાનું શરુ કર્યું ત્યારથી હરવંશસિંઘના ઉત્કૃષ્ટ દેખાવ, જીમ, ડાયટ પ્લાન અને તમામ બાબતો પર નકુલ અયાચીએ ધ્યાન આપ્યું હતું.
દરરોજના 7 થી 8 કલાક પ્રેક્ટિસ:
કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિયેશનના દરેક કોચ પાસેથી હરવંશસિંઘને સારો સપોર્ટ મળ્યો છે તેમજ સિનિયર ક્રિકેટરોએ પણ હરવંશસિંઘ સાથે પોતાના અનુભવો શેર કર્યા છે. તેના કોચ નકુલ અયાચીએ હરવંશસિંઘને ડીસ્ટ્રીકટ લેવલની તમામ મેચની ટીમમાં સામેલ કર્યો છે તેમજ 15 વર્ષની ઉંમરે તેણે અંડર 25 ની ટીમમાં પણ રમ્યો હતો જેમાં હરવંશસિંઘે 5 અડધી સદી મારી હતી. હરવંશસિંઘ દરરોજના 7 થી 8 કલાક પ્રેક્ટિસ કરે છે.
પ્રેક્ટિસ કરવાનું ચૂકતા નથી:
ગાંધીધામની DPS સ્કુલનું ગ્રાઉન્ડ તેના માટે હંમેશા ખુલ્લું રહ્યું છે તેમજ સ્કૂલ દ્વારા પણ તેને હંમેશા સાથ સહકાર આપવામાં આવ્યો છે. તો પરીક્ષા સમયે તેને એક્સ્ટ્રા ક્લાસિસ પણ આપવામાં આવ્યા હતા.ક્રિકેટમાં તો તે એક પણ દિવસ પ્રેક્ટિસ કરવાનું ચૂકતા ન હતો સાથે સાથે તે સ્કૂલમાં પણ એક પણ દિવસ ગેરહાજર રહ્યો નથી .રજાના દિવસે પણ તે સ્કૂલમાં જતો અને મિત્રો સાથે પ્રેકિટ્સ કરતો હતો.
મેચ રમવા માતા ડ્રાઈવિંગ કરીને લઈ જતી:
સવારના 7 થી 9 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધીના સમયમાં તેની એકેડમીમાં પ્રેક્ટિસ કરતો હતો.પરંતુ જ્યારે ટુર્નામેન્ટ હતી ત્યારે તે આખો દિવસ DPS ગ્રાઉન્ડ ખાતે રહેતો અને તેની માતા જશપ્રિત કૌર ગ્રાઉન્ડ પર જ તેના માટે જમવાનું લઈ જતા અને જ્યાં પણ મેચ હોય ત્યાં તેની માતા તેને ડ્રાઇવિંગ કરીણે લઈ જતા હતા.
કચ્છમાં હર્ષની લાગણી:
કચ્છના ગાંધીધામના વિકેટકિપર બેટસમેન હરવંશસિંઘ પંગલિયાની ઓસ્ટ્રેલિયા સામેની વનડે અને ચાર દિવસીય મેચોની શ્રેણી માટેની ભારતની અંડર 19 ટીમમાં પસંદગી થઈ છે. જેને લીધે કચ્છમાં હર્ષની લાગણી પ્રસરી ગઇ છે. અને ભારતીય ટીમમાં પસંદગી પામવા માટેનું તેનું પ્રથમ પગથીયું સર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ ફોર્મેટમાં વર્ષ 2005 બાદ ફરી કચ્છના ખેલાડીને તક મળી છે. તો કચ્છના ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓ પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની અંડર 19 ટીમમાં પસંદગી:
બી.સી.સી.આઈ. દ્વારા હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની અંડર 19 વન-ડે અને ચાર દિવસની શ્રેણી માટેની ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખેલાડી અને કચ્છના ગાંધીધામની દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી હરવંશસિંઘની પસંદગી કરવામાં આવી છે. આગામી સમયમાં પોંડીચેરી ખાતે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમાશે જેમાં ગાંધીધામનો ખેલાડી હરવંશસિંઘ પણ રમશે.
આઈ.પી.એલમાં પણ રમવાની તક:
ઉલ્લેખનીય છે કે બી.સી.સી.આઈ. દ્વારા ભારતીય ટીમની કરાયેલી પસંદગીમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર આ કચ્છના ખેલાડીને પસંદ કરવામાં આવ્યો છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અને દિલ્હી પબલિક સ્કૂલના ચેરમેન ચંદ્રશેખર અયાચીએ પણ હરવંશસિંઘની પસંદગી બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. હરવંશસિંઘની ભારતીય ટીમ માટેની પસંદગી બાદ કચ્છના ખેલાડીઓ આઈ.પી.એલ. અને ભારતીય ટીમમાં પણ આગળ પસંદગી પામે તેવી તકો જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય સુવિધા સાથેનું મેદાન:
ઉલ્લેખનીય છે કે, ગાંધીધામની દિલ્હી પબલીક સ્કૂલ ખાતે વરસાદ દરમ્યાન પણ ખેલાડીઓને તાલીમ મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયાની જેરી ફ્લોરિંગની સુવિધા પણ વિકસાવવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સુવિધા સાથેનું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. જેના થકી જ ગાંધીધામના ખેલાડી હવે આંતરરાષ્ટ્રીય સ્તરની ટીમમાં પસંદગી પામી રહ્યા છે.
કચ્છના બીજા યુવાનો માટે પ્રેરણાદાયક:
ક્રિકેટર નકુલ અયાચીએ હરવંશસિંઘને ખાસ તાલીમ આપી છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિયેશનની અંડર 14ની ટીમ પણ ચેમ્પિયન ટીમ છે. ઉલ્લેખનીય છે કે છ વર્ષની ઉંમરથી જ હરવંશસિંઘ કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિયેશન ખાતે મેચ રમવા આવતો હતો અને તે એક સારો બેટ્સમેન છે અને વિકેટકિપર તરીકે પણ સારી ભૂમિકા ભજવે છે. તે હંમેશા પોતાનું સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા માટે પ્રયત્નશીલ રહેતો હોય છે. હરવંશસિંઘની પસંદગી કચ્છના બીજા યુવાનો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.
ક્રિકેટ ક્ષેત્રની કારકિર્દીને નવી ઊંચાઈ:
આ અગાઉ વર્ષ-2005માં ઈંગ્લેન્ડ સામેની અંડર 19 ટીમમાં અંજારના કુલદીપ શર્માની પસંદગી થઈ હતી. જેમણે અંડર- 19 પછી અન્ય ફોર્મેટમાં પણ રમ્યા હતા પરંતુ ત્યાર બાદ ઈજાના કારણે રમી શક્યા ન હતા. હરવંશસિંઘની પસંદગીથી તેની ક્રિકેટ ક્ષેત્રની કારકિર્દીને નવી ઊંચાઈ મળશે. હરવંશસિંઘની રમત શાનદાર હોવાનું જાણવા મળી રહ્યું છે.હરવંશસિંઘે ધો. 5થી 12 સુધી ડીપીએસમાં અભ્યાસ કર્યો છે અને છેલ્લાં પાંચ વર્ષમાં તેને નીલકંઠ એકેડમીમાં અંડર-14 ઈન્ટર ડિસ્ટ્રીક્ટમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો.
સર્વશ્રેષ્ઠ સ્કોર 148 રન:
હરવંશસિંઘ સૌરાષ્ટ્રની ટીમના અંડર-19ની ટીમના કેપ્ટન તરીકે પણ હાલમાં કાર્યરત છે.હરવંશસિંઘ ડાબોડી બેટ્સમેન છે અને એક રીતે જોવા જઈએ તો તે અટેકિંગ બેટ્સમેન છે અને તેને અનેકવાર મેચમાં સેન્ચ્યુરી પણ ફટકારી છે.તો તેની સ્ટ્રાઈક રેટ પણ 100થી 180ની વચ્ચે રહેતો હોય છે.તો વિકેટકીપિંગમાં પણ તે ઝડપી સ્ટપીંગ અને ડાઇવીંગ કેચ કરતો હોય છે. તેનો પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 148 રનનો છે.
અંડર 14 સ્ટેટ્સ:
પુણે જાન્યુઆરી 2021
મેચ : 4
રન: 201
50's: 2
સૌથી વધુ: 73
અંડર 16 સ્ટેટ્સ:
વિજય મર્ચન્ટ ટ્રોફી (2022-23)
મેચ: 6
ઇનિંગ: 9
રન: 385
50s: 2
100s: 2
સૌથી વધુ: 120
(વિકેટકીપર) કેચ: 14
સ્ટમ્પિંગ : 1
રન આઉટ: 1
રિલાયન્સ G1 ટુર્નામેન્ટ:
મેચ: 4
ઇનિંગ: 5
રન: 258
સૌથી વધુ: 148 (પંજાબ વિરુદ્ધ)
કેચ: 4
સ્ટમ્પિંગ: 7
અંડર 19 સ્ટેટ્સ:
વિનુ માંકડ ટ્રોફી (2023-2024)
મેચ: 5
રન: 199
50s: 1
સૌથી વધુ રન : 77
કેચ: 3
સુરત NCA કેમ્પ:
17 એપ્રિલ થી 11 મે
મેચ: 1
ઇનિંગ: 1
રન: 68
અંડર 19 કૂચ બિહાર ટ્રોફી:
મેચ: 5
ઇનિંગ: 6
રન: 403
50s: 4
100s: 1
અંડર 19 હાઈ પરફોર્મન્સ ઈન્ડિયા કેમ્પ
ઇનિંગ: 6
રન: 205
50s: 2
ભવિષ્યમાં પરિવારને ભારત પરત લાવવાનું સપનું:
હરવંશસિંઘનો પૂરો પરિવાર કેનેડામાં રહે છે તેના પિતાએ પણ તેને કેનેડા આવી જવા જણાવ્યું હતું પરંતુ હરવંશસિંઘે કેનેડા જવાની ના પાડી અને ક્રિકેટમાં આગળ વધવાનું લક્ષ્ય રાખ્યું હતું. હાઈએસ્ટ લેવલે પહોંચશે ત્યારે તે પોતાના પરિવારને ભારત પાછું લઈ આવશે તેવું તેણે તેના પિતાને જણાવ્યું હતું. તેના પિતાએ જણાવ્યું હતું કે, "તે હજી બાળક છે પણ તેનું નિશ્ચય, શિસ્ત અને વલણ તેને આ સ્તર સુધી લઈ આવ્યું છે. વાલી હોવાના નાતે અમે માત્ર તેના પર નિરીક્ષણ રાખી શકીએ અને સલાહ સૂચનો આપી ગાઈડ કરી શકીએ પરંતુ દિવસ રાતની મહેનત તો તેણે જ કરી છે અને તેણે પોતાનું સપનું પૂરું કર્યું છે."