મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે છેતરપિંડી કરવાના કેસમાં મુંબઈ પોલીસે ત્રણ-ચાર દિવસ પહેલા આરોપી વૈભવ પંડ્યાની તેના ઘરેથી ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે આ ધરપકડો મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા કરવામાં આવી છે. આર્થિક અપરાધ શાખાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંગ્રામ સિંહ નિશાનદારે આ માહિતી આપી હતી. આરોપી વૈભવ પંડ્યાની ઉંમર 37 વર્ષ છે. તે હાર્દિક અને કૃણાલ પંડ્યાનો સાવકો ભાઈ છે.
નફો પોતાના નામે કરી લીધો : કેસની વિગત જોઇએ તો, 2021માં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ તેમના સાવકા ભાઈ વૈભવ સાથે પોલિમર બિઝનેસ શરૂ કર્યો હતો. આ કંપનીમાં હાર્દિક અને કૃણાલનો 40-40 ટકા અને વૈભવનો 20 ટકા હિસ્સો હતો.વૈભવ પર ભાગીદારી પેઢીમાં લગભગ 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસની ફાયનાન્સિયલ ક્રાઈમ્સ વિંગે આ કેસમાં ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના સાવકા ભાઈની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.
4.3 કરોડ રૂપિયાનું નુકસાન : 2021માં, ત્રણેય ભાઈએ પોલિમર બિઝનેસમાં ભાગીદારીની શરતો અનુસાર સંયુક્ત રીતે રોકાણ કર્યું હતું. આ આધારે કંપનીનો નફો ત્રણ વચ્ચે વહેંચવામાં આવ્યો હતો. જોકે, આરોપી વૈભવે કંપનીનો નફો તેના ભાઈઓને આપવાને બદલે અલગ કંપની બનાવી તેના નામે ટ્રાન્સફર કરી હતી. જેના કારણે હાર્દિક અને કૃણાલ પંડ્યાને 4.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જે બાદ તેઓએે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
હાર્દિક કે કુણાલે કોઇ નિવેદન આપ્યું નથી : આરોપી વૈભવ પંડ્યાની છેતરપિંડી આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે હાર્દિક અને કૃણાલ પંડ્યા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાર્દિક તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટન તરીકે રમી રહ્યો છે, જ્યારે કૃણાલ આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળે છે.