અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. IPL 2024માં બંને ટીમોની આ ત્રીજી મેચ હશે. આ મેચ પહેલા ગુજરાત ટાઇટન્સના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં બેટિંગ કોચ અને મેન્ટર ગેરી કર્સ્ટન ઉપસ્થિત રહ્યા હતા.
ટીમના ખેલાડીઓ પર ભરોસો વ્યક્ત કર્યો: CSK સામેની મોટી હાર બાદ અમે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અમારી આગવી તાકાતથી મેદાનમાં ઉતરીશું. ગેરી કર્સ્ટન દ્વારા ટીમના ખેલાડીઓ પર ભરોસો વ્યક્ત કર્યો હતો. ટીમમાં મેથ્યુ વેડ આવવાથી ટીમની તાકાત વધી છે. મેથ્યુ વેડ ખૂબ સારો વિકેટકીપરની સાથે સારો બેટ્સમેન છે. અમારું બેટિંગ યુનિટ ફ્લો માં છે. ડેવિડ મિલર અને કેન વિલિયમસનના પ્રદાનથી બેટિંગ મજબૂત બનશે. છેલ્લી બે મેચમાં ટોપ ઓર્ડર બેટ્સમેન સારું પર્ફોર્મ કરે છે. આવતીકાલે વધુ ગરમીમાં રમવા માટે અમે તૈયાર છીએ. અમે ટ્રેનિંગ પ્રેક્ટિસ સેશન બદલીને પણ વાતાવરણને અનુકૂળ બનીશું.
ગિલે પોતાની કપ્તાનીથી સૌને પ્રભાવિત કર્યા છે: T20 ની ગેમએ હાઈ રિસ્ક ગેમ હોય છે. ગુજરાત ટાઇટન્સ પણ હાઇ રિસ્ક લઈ સારું પર્ફોર્મ કરશે.હાલ પોઈન્ટ ટેબલમાં GT સાતમા ક્રમે છે પણ હજી વહેલું છે. નેટ રન રેટ હાલ પડકાર નથી. અમારો ધ્યેય 14 પૈકી 8 મેચ જીતવાનો છે. 7 કે 8 મેચ તો GT જીતશે. બ્લેક સોઈલ પીચ પર સારો બાઉન્સ મળશે તો રેડ સોઈલ પીચ પેસનો ફાયદો મળશે. અમદાવાદની પીચ સારી બેટિંગ પીચ છે. શુભમન ગીલ સફળ કેપ્ટન છે. વિચારતો કેપ્ટન છે, જે ફિલ્ડ પર પરિસ્થિતિનું આંકલન કરી નિર્ણય લે છે. ગિલે પોતાની કપ્તાનીથી સૌને પ્રભાવિત કર્યા છે.
IPL 2024માં GTનું પ્રદર્શન: જીટીએ 24 માર્ચે ટૂર્નામેન્ટની તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 6 રનથી જીત મેળવી હતી. તેઓ 26 માર્ચે તેમની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 63 રનથી હારી ગયા હતા.