નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન એમએસ ધોનીની IPLમાંથી નિવૃત્તિને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં તેની છેલ્લી મેચ આરસીબી સામે રમી છે. પરંતુ આ મેચ પછી ધોનીએ નિવૃત્તિ વિશે વાત કરી ન હતી અને તે આઈપીએલ 2024નું અભિયાન પૂરું કરીને બીજા દિવસે રાંચી પહોંચ્યો હતો. હવે આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના અધિકારીઓ દ્વારા ધોનીની નિવૃત્તિને લઈને એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે.
કાસી વિશ્વનાથને આપ્યું મોટું અપડેટ: crickbuzzના અહેવાલ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને આઈપીએલમાંથી ધોનીની નિવૃત્તિ અંગે મોટું અપડેટ આપ્યું છે. કાશી વિશ્વનાથને કહ્યું, 'ધોનીએ અમને કશું કહ્યું નથી. તેણે આ સિઝનમાં જે રીતે બેટિંગ કરી છે, તે ચોક્કસપણે રમવાનું ચાલુ રાખી શકે છે પરંતુ તે બધું તેના પર નિર્ભર રહેશે. ધોની અમને ક્યારેય આવી વાતો કહેતો નથી, ધોની માત્ર નિર્ણય લે છે.
ધોની ગમે ત્યારે લઈ શકે છે કોઈ પણ નિર્ણય: તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તે સમયે પણ ધોનીએ નિવૃત્તિ વિશે નજીકના લોકો સિવાય કોઈને કહ્યું ન હતું. હવે ફરી એકવાર ધોનીની નિવૃત્તિ આ રીતે જોવા મળી રહી છે. પરંતુ સવાલ એ પણ ઉભો થાય છે કે જો ધોનીએ આ વર્ષે IPLમાંથી નિવૃત્તિ લેવી હોત તો તે તેની છેલ્લી લીગ મેચ બાદ તેની જાહેરાત કરી શક્યો હોત પરંતુ ધોનીએ તેમ ન કર્યું. આવી સ્થિતિમાં, શક્ય છે કે IPL 2025માં પણ ધોની મેદાન પર પ્રશંસકોને પોતાનો જાદુ બતાવતો જોવા મળે. ધોનીએ IPL 2024માં 14 મેચોમાં 161 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 13 છગ્ગા પણ ફટકાર્યા હતા.