નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ટેસ્ટ મેચોની ફી વધારવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ માત્ર મેચ ફી જ નથી વધારી પરંતુ તેમાં ત્રણ ગણો વધારો પણ કર્યો છે. પરંતુ આ વધારો દરેક ખેલાડી માટે થયો નથી. BCCI સેક્રેટરી જય શાહે ફી વધારાનો સ્લેબ બહાર પાડ્યો છે. અને તેઓએ તેને પ્રોત્સાહન રાશી યોજના નામ આપ્યું છે.
BCCI સેક્રેટરી જય શાહે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 'મને વરિષ્ઠ પુરૂષો માટે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના'ની શરૂઆત કરવાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. જેનો ઉદ્દેશ્ય આપણા સન્માનિત ખેલાડીઓનો આર્થિક વિકાસ અને સ્થિરતા પ્રદાન કરવાનો છે. તેમણે લખ્યું છે કે, 2022-23 સીઝનથી શરૂ થઈને ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના એક અતિરિક્ત ઈનામ સરંચનાના રૂપમાં કામ કરશે. આ ટેસ્ટ મેચો માટે 15 લાખ રૂપિયાની હાલની ફીની ઉપર પ્રોત્સાહન તરીકે મળશે.
BCCI સેક્રેટરી જય શાહ દ્વારા જાહેર કરાયેલા સ્લેબ મુજબ જે ખેલાડીઓ સિઝનની 75 ટકા મેચો રમશે તેમને 45 લાખ રૂપિયા મળશે. જ્યારે 50 થી 74 ટકા મેચ રમનારા ખેલાડીઓને 30 લાખ રૂપિયા મળશે. આપને જણાવી દઈએ કે, આ ફી બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી અલગથી આપવામાં આવશે. અગાઉ એક અહેવાલ આવ્યો હતો કે BCCI ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન રકમની જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈએ ધર્મશાલા ટેસ્ટ બાદ તરત જ આ અંગેની જાહેરાત કરી છે. હાલમાં ભારતીય ક્રિકેટરોની ટેસ્ટ ફી પ્રતિ મેચ 15 લાખ રૂપિયા મળે છે.
મહત્વપૂર્ણ છે કે, ભારતીય ટીમે ઈંગ્લેન્ડને પાંચ મેચોની શ્રેણીમાં 4-1થી હરાવ્યું છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં જ ઈંગ્લેન્ડ ભારત સામે જીતવામાં સફળ રહ્યું હતું, ત્યારબાદ ભારતે તમામ મેચ જીતી લીધી છે.