રાજકોટ : રાજકોટ ટેસ્ટમાંથી અશ્વિન પાછો ખેંચાયોઃ ગુજરાતના રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. કૌટુંબિક કારણોસર શુક્રવારે પોતાની 500 વિકેટ પૂરી કરનાર અનુભવી ઓફ સ્પિનર આર અશ્વિન રાજકોટ ટેસ્ટ અધવચ્ચે જ છોડી રહ્યો છે. આ પહેલા શુક્રવારે બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ભારતના 445 રનના જવાબમાં 2 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરી વધાવ્યાં હતાં.
કૌયુંબિક કારણોસર મેચ છોડી: ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિને કૌટુંબિક તબીબી કટોકટીના કારણે તાત્કાલિક અસરથી રાજકોટમાં ભારતની ટેસ્ટ ટીમમાંથી ખસી ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે એક મીડિયા રિલીઝમાં કહ્યું કે BCCI ચેમ્પિયન ક્રિકેટર અને તેના પરિવારને હાર્દિક સમર્થન આપે છે. ખેલાડીઓ અને તેમના પ્રિયજનોનું સ્વાસ્થ્ય અને સુખાકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બોર્ડ અશ્વિન અને તેના પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરે છે કારણ કે તેઓ આ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
બીસીસીઆઈએ પોતાની રિલીઝમાં શું કહ્યું: બીસીસીઆઈ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડ અને ટીમ અશ્વિનને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે. જરૂરિયાત મુજબ મદદ માટે અશ્વિન સાથે વાતચીતની લાઈનો ખુલ્લી રાખશે. ટીમ ઈન્ડિયા ચાહકો અને મીડિયાને વિનંતી કરે છે કે આ સંવેદનશીલ સમયગાળા દરમિયાન અશ્વિનની ગોપનીયતાનું સન્માન કરે.
ત્રણ દિવસની રમત બાકી : અશ્વિનના ટેસ્ટ અધવચ્ચે જ છોડી દેવાના કારણે ભારતે હવે માત્ર દસ ખેલાડીઓ સાથે મેચ રમવી પડશે. રાજકોટ ટેસ્ટમાં ત્રણ દિવસની રમત બાકી છે. સામાન્ય રીતે, અવેજી ખેલાડીને ફક્ત એટલા માટે જ રમવાની મંજૂરી આપવામાં આવે છે કારણ કે કોઈ ખેલાડી કોવિડ-19 ચેપ હોય અથવા ઈજાગ્રસ્ત હોય.
ફ્રન્ટલાઈન સ્પિન વિકલ્પો : અશ્વિનની ગેરહાજરીમાં, ભારત પાસે આ ટેસ્ટની બાકીની મેચો માટે ફ્રન્ટલાઈન સ્પિન વિકલ્પો તરીકે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ બાકી છે. રાજકોટમાં બીજા દિવસે અશ્વિને મહત્વની સિદ્ધિ હાંસલ કરી હતી. તે 500 ટેસ્ટ વિકેટ લેનાર નવમો બોલર બન્યો છે.