ગાંધીનગર: સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ (CBCA) દ્વારા રમાઈ રહેલી દીવાન બલ્લુભાઈ અંડર 19 મલ્ટી ડે કપ ટુર્નામેન્ટમાં દ્રોણ દેસાઇએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. દ્રોણ દેસાઇ એક ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચમાં 498 રનનો અદ્ભુત સ્કોર કર્યો છે. આ ટુર્નામેન્ટના 30 વર્ષના ઈતિહાસમાં કોઈએ આવો રેકોર્ડ નોંધાવ્યો નથી. મંગળવારે ગાંધીનગરના શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જેએલ ઇંગ્લિશ સ્કૂલ અને ઝેવિયર્સ સ્કૂલ વચ્ચે આ મેચ રમાઈ હતી. જેમાં સેન્ટ ઝેવિયર્સની ટીમે JL ઇંગ્લિશ સ્કૂલને એક ઇનિંગ અને 712 રનના જંગી માર્જિનથી પરાજય આપ્યો હતો.
આ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચમાં JL ઇંગ્લિશ સ્કૂલે પ્રથમ બેટિંગ કરતાં 48 રન બનાવ્યા હતા. ઝેવિયર્સ સ્કૂલ તરફથી યશ દેસાઇ અને દૈશિન શર્માએ 4-4 વિકેટ્સ લીધી હતી. ત્યાર બાદ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા JL ઇંગ્લિશ સ્કૂલના બોલર્સની બરાબર ધુલાઈ કરવામાં આવી હતી. ઝેવિયર્સ સ્કૂલની ટીમે 7 વિકેટે 844 રન ફટકાર્યા હતા. જેમાં દ્રોણ દેસાઇએ 320 બોલમાં 498 રન માર્યા હતા. આ જબરદસ્ત ઇનિંગ દરમિયાન તેણે 86 ચોગ્ગા ફટકાર્યા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર પછી બીજી ઇનિંગમાં જે એલ ઇંગ્લિશ સ્કૂલની ટીમ માત્ર 92 રન બનાવી શકી હતી અને ટીમનો એક ઇનિંગથી પરાજય થયો હતો.
આ વાર્ષિક ટુર્નામેન્ટનું આયોજન સેન્ટ્રલ ક્રિકેટ બોર્ડ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન હેઠળ આવે છે. ETV Bharat ની ખાસ વાતચીત દરમિયાન દ્રોણ દેસાઇએ તેના સંપૂર્ણ ક્રિકેટ કારકિર્દીની રોમાંચક વાતો અને આ યાદગાર ઇનિંગની પણ વાતો શેર કરી હતી.
કોણ છે દ્રોણ દેસાઈ:
અમદાવાદના દ્રોણ દેસાઈ યુવા ક્રિકેટમાં સતત પ્રગતિ કરી રહ્યા છે. ઈટીવી ભારત સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે 18 વર્ષીય દ્રોણે અંડર-14 સ્તરે રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલ છે અને તેની આ તાજેતરની સિદ્ધિ પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરશે તે નિશ્ચિત છે કારણ કે, આ શ્રેષ્ઠ પ્રદર્શન બાદ તે ગુજરાતની અંડર-19 ટીમમાં સ્થાન મેળવવા માટે દાવેદાર બની શકે છે. ક્રિકેટમાં તેની સફર સાત વર્ષની નાની ઉંમરે શરૂ થઈ હતી, દ્રોણે જણાવ્યું કે, સચિન તેંડુલકરનું બેટ જોઈને તે ક્રિકેટ રમવા માટે પ્રેરિત થયા હતો.
દેસાઈએ તેમની પ્રગતિનો શ્રેય તેના પિતા અને તેના કાકાને આપ્યો છે, જેમણે તેની ક્ષમતાને ખૂબ જ વહેલી તકે ઓળખી અને ખાતરી કરી કે તે એક પ્રતિભાશાળી ક્રિકેટર બની શકે છે. ત્યારબાદ દ્રોણને જયપ્રકાશ પટેલ જેઓ એક પ્રખ્યાત કોચ છે તેમની પાસે તાલીમ અપવી. જયપ્રકાશ પટેલે ગુજરાતનાં અન્ય 40 થી વધુ ક્રિકેટરોને તાલીમ આપી ચૂક્યા છે.
દ્રોણે જણાવ્યું કે "મેં સાત વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને મારા કાકાએ મને ખૂબ પ્રેરણા આપી કારણ કે તેઓ માનતા હતા કે મારામાં એક સારો ક્રિકેટર બનવાની ક્ષમતા છે. તેઓ મને જેપી સર (જયપ્રકાશ પટેલ) પાસે લઈ ગયા. ધોરણ 8 થી 12 સુધી, મેં ફક્ત ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું અને આશા છે કે એક દિવસ હું મોટું નામ બનાવીશ."
વધુમાં તેમને જણાવ્યું કે 'તે નિરાશ છે કે તે 500 રનનો આંકડો ચૂકી ગયો કારણ કે, તેને ખ્યાલ નહોતો કે તે આટલા મોત સ્કોરની નજીક છે. દેસાઈએ કહ્યું, "ગ્રાઉન્ડમાં કોઈ સ્કોરબોર્ડ નહોતું અને મારી ટીમે મને જાણ કરી ન હતી કે હું 498 રન પર બેટિંગ કરી રહ્યો છું, હું મારો સ્ટ્રોક રમવા ગયો અને આઉટ થયો પણ હું ખુશ છું કે હું તે રન બનાવી શક્યો." તેનો દાવ 320 બોલમાં પૂરો થયો જેમાં સાત છગ્ગા અને 86 ચોગ્ગા સામેલ હતા. આ તે લગભગ 372 મિનિટ સુધી ક્રિઝ પર રમ્યા હતા.
દ્રોણ દેસાઈ આટલો મોટો સ્કોર કરનાર દેશનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા મુંબઈના પ્રણવ ધનાવડે (અણનમ 1009), પૃથ્વી શૉ (546), ડૉ. હેવવાલા (515), ચમનલાલ (અણનમ 506) અને અરમાન જાફર (498) એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં શામિલ છે.
આ પણ વાંચો: