નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સતત ત્રીજી વખત સત્તા સંભાળી છે. મોદી 3.0 કેબિનેટમાં 72 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી માત્ર સાત મહિલાઓ છે. મોદી 2.0 કેબિનેટમાં 11 મહિલાઓ હતી, એટલે કે આ વખતે મહિલાઓની ભાગીદારી ઓછી થઈ છે. જ્યારે 30 કેબિનેટ મંત્રીઓમાં માત્ર બે મહિલાઓનો સમાવેશ થાય છે. નિર્મલા સીતારમણ અને અન્નપૂર્ણા દેવીએ રવિવારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતાં.
રાજ્યસભાના સાંસદ સીતારમણ અગાઉ નાણાં અને સંરક્ષણ જેવા મોટા મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. જ્યારે ઝારખંડના કોડરમાથી બે વખત સાંસદ રહી ચૂકેલા અન્નપૂર્ણા દેવીને આ વખતે કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. મોદી 2.0 સરકારમાં તેઓ શિક્ષણ રાજ્ય મંત્રી હતા.
રવિવારે પીએમ મોદી સાથે મંત્રી તરીકે શપથ લેનાર અન્ય મહિલાઓમાં અનુપ્રિયા પટેલ, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર, શોભા કરંદલાજે અને નિમુબેન બાંભણીયાનો સમાવેશ થાય છે. અનુપ્રિયા પટેલ એનડીએના સાથી પક્ષ અપના દળ (સોનેલાલ)ના વડા છે. તેઓ મોદી સરકારના પ્રથમ અને બીજા કાર્યકાળમાં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી 2024માં તેમની પાર્ટીની સીટ બેથી ઘટીને એક થઈ ગઈ.
37 વર્ષીય રક્ષા ખડસે મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકારણી એકનાથ ખડસેની વહુ છે. રાવેરથી ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા ખડસે અગાઉ સરપંચ અને જિલ્લા પરિષદના સભ્ય તરીકે કામ કરી ચૂક્યા છે. તે જ સમયે, મધ્યપ્રદેશના ધારથી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા સાવિત્રી ઠાકુરને પહેલીવાર મોદી 3.0 સરકારમાં સ્થાન મળ્યું છે. તેમણે 2014માં ચૂંટણી જીતી હતી, પરંતુ 2019ની સામાન્ય ચૂંટણીમાં તેમને ટિકિટ મળી ન હતી. આ વખતે તેણીએ 2 લાખથી વધુ મતોની સરસાઈથી જીત મેળવી છે. સાવિત્રી ઠાકુરને પણ પંચાયત સ્તરે કામ કરવાનો બહોળો અનુભવ છે.
કર્ણાટકના ભાજપ સાંસદ શોભા કરંદલાજેને ફરી એકવાર રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ મોદી સરકારના બીજા કાર્યકાળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ગુજરાતના ભાવનગરથી સાંસદ તરીકે ચૂંટાયેલા 57 વર્ષીય નિમુબેન બાંભણીયાને પણ મોદી 3.0 કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ શિક્ષિકા નીમુબેન બાંભણીયા ભાવનગરના મેયર પણ રહી ચૂક્યા છે અને ભાજપ સંગઠનમાં અનેક ભૂમિકાઓમાં પણ કામ કર્યું છે.