તાપી: ગરીબ વર્ગોને સામાજિક આર્થિક,અને રાજકિય ન્યાય મળે તે ઉદ્દેશ્યથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તાપી જિલ્લાનાં વ્યારા ખાતે પહોંચી હતી. વ્યારાના જૂના બસ સ્ટેન્ડ પર રાહુલ ગાંધીએ લોકોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ વ્યારાના સ્થાનીક ખેડૂત સાથે ખાસ વાત ચીત કરી હતી
ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે. આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તાપી જિલ્લાના વ્યારા પહોંચી હતી. જેમાં રાહુલ ગાંધીએ લોકોને સંબોધન કરતા સ્થાનિક ખેડૂતોને પોતાની બાજુ બેસાડી વાતચીત કરી હતી. કિસાન આંદોલન અને અંબાણી-અદાણીને લઇ ભાજપ અને નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીએ નિશાન પણ સાધ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે, તાપી જિલ્લો એ આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ત્યારે રાહુલ ગાંધી એ વ્યારામાં ખેડૂતને પોતાની ગાડી પર બેસાડી રાહુલ ગાંધી એ તેમના ખભે હાથ મૂકી MSP અને GST વિશે સવાલો કર્યા હતા અને જીએસટીના માર વિશે સમજાવ્યા હતા. ગરીબ વંચિત લોકોને પોતાનો હક મળે અને પોતાના માટે લડાઈ કરી શકે એ હેતુથી આ યાત્રા વ્યારા ખાતે પહોંચી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત જોડો ન્યાય યાત્રાનું આજે ગુજરાત રાજ્યમાં 400 કિમીનો પ્રવાસ પૂર્ણ થયો છે અને રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થયા હતા. હવે ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્ર રાજ્ય થી ફરી શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, આજે ચોથા દિવસે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સુરતથી બારડોલી થઈને તાપી પહોંચી. રાહુલ ગાંધીએ વ્યારામાં ખુલ્લી જીપમાં લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ યાત્રામાં જોડાયા હતા.