પોરબંદર: ગાંધીજીના જન્મસ્થળ ગણાતી પોરબંદરની લોકસભા બેઠક આ તો ગાંધીજીના જન્મ સ્થળ તરીકે જ જાણીતી છે પંરતુ અહીં મુખ્યત્વે ખેતી અને માછીમારી પર લોકો નિર્ભર રહે છે. સારા ઉદ્યોગ ન હોવાથી મોટા ભાગના યુવાનોને રોજગારીની તકો નથી મળતી અને મોટાભાગના યુવાનો પોરબંદરથી અન્ય શહેરોમાં સ્થળાંતર થાય છે. તો નેતાઓના પુત્રો પણ વિદેશમાં ભણવા અથવા મેગા સિટીમાં આજીવિકા રડે છે. પોરબંદર એ માત્ર નિવૃત્ત લોકો માટેનું શહેર બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે ઉદ્યોગિક દ્રષ્ટિએ મરણ પથારીએ પડેલ પોરબંદર વિકાસના શ્વાસ ઝંખી રહ્યું છે.
હાલ આ બેઠક પર ભાજપ પક્ષમાંથી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાને ઉમેદવાર જાહેર કરાયા છે જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી લલિત વસોયાને અને હવે પોરબંદરના નાથાભાઈ ઓડેદરા અપક્ષમાંથી લોકસભા સીટમાં ઉમેદવારી કરશે તેવું જાહેર કરાતા હવે પોરબંદર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. આ બેઠક પર ત્રણેય ઉમેદવારો એવા છે કે છેલ્લી ઘડી સુધી ભવિષ્યમાં ભાખવું અઘરું પડે તેવા કારણો પણ સામે આવી રહ્યા છે.
ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા: ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની પસંદગી કરવામાં આવી છે. મનસુખ પાંડવિયાની છબી આમ તો સારી છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે કામ કરતાં હોવાથી લોકલ ટચ નથી. આમ જનતાના પ્રશ્નો તે કેવી રીતે સોલ્વ કરશે તે હાલ મોટો પ્રશ્ન બની રહ્યો છે. આ ઉપરાંત એવું પણ બની શકે છે કે રાષ્ટ્રીય સ્તરે કામ કરતા હોવાના કારણે વિજેતા પણ બની જાય અને આ જ કારણથી હારે પણ ખરા તો ધોરાજી અને જેતપુરમાં થયેલ પોસ્ટર વોર જેમાં મનસુખ માંડવીયાને આયાતી ઉમેદવાર ગણાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જેના કારણે પણ નુકસાની થાય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. આમ આ તમામ પરિબળોના કારણે મનસુખ માંડવીયાની જીત પર હાલ સંકટના વાદળો ઘેરાઈ શકે તેમ છે.
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા: વાત કરીએ લલિત વસોયાની તો તેઓ એક ખેડૂત નેતા છે અને કોંગ્રેસમાં વર્ષોથી અર્જુન મોઢવાડિયા સાથે ખભે ખભો મિલાવી કામ કર્યું છે. રાજનીતિમાં પાવધરો અનુભવ ધરાવે છે. અનેકવાર તેઓ ચૂંટણી લડ્યા છે ત્યારે ગત લોકસભામાં તેમણે હારનો સ્વાદ પણ ચાખેલો જ છે તેમ છતાં તેઓ વર્ષોથી એક જ પક્ષને વફાદાર છે. મનસુખ માંડવીયા કરતા લલિત વસોયાનો પોરબંદર લોક વિસ્તારમાં લોકલ ટચ વધુ છે અને આ જ તેમનો પ્લસ પોઇન્ટ છે કે આ પોઈન્ટ તેમણે જીતાડી પણ શકે છે.
અપક્ષ ઉમેદવાર નાથા ઓડેદરા: પોરબંદરના નાથા ઓડેદરાની કે જેઓ કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આમ આદમીની પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. ત્યારે તેઓએ પણ અર્જુન મોઢવાડિયા સાથે રાજનીતિના પાઠ શીખેલા છે અને તાજેતરમાં પોરબંદરમાં ગુંડાગીરી અને ભ્રષ્ટાચારના વિરોધ બદલ સક્રિય ભૂમિકા ભજવી છે અને સામાન્ય લોકોના ન્યાય માટે અનેકવાર પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. નાથા ઓડેદરા પોરબંદર લોકસભા વિસ્તારમાં સ્થાનિક લોકોના સતત સંપર્કમાં રહે છે. આ ઉપરાંત પોતે મહેર જ્ઞાતિના હોવાથી પોરબંદર જિલ્લામાં મહેર જ્ઞાતિનું વર્ચસ્વ છે અને રાજકીય પ્રભુત્વ પણ મહેર જ્ઞાતિ ધરાવે છે. પરંતુ સમગ્ર લોકસભા વિસ્તારમાં પાટીદારોના મતોનું પ્રભુત્વ વધારે છે. આવા સંજોગોમા ભાજપે મનસુખ માંડવીયાને ઉમેદવારી આપી જીત મેળવવાના પાસા ફેંક્યા છે. તો બીજી તરફ મનસુખ માંડવીયા પોરબંદર વિસ્તારના ન હોવાથી વર્ષોથી ભાજપના સક્ષમ અને કદાવર નેતાઓ બળવો કરી આંતરિક વિવાદ વધારે તેવી શક્યતાઓ પણ રહી છે.
ઉમેદવારની પ્રોફાઈલ વધુ જાણવા નીચે આપેલ લિંક પર ક્લીક કરો: |